દિગ્દર્શક રિતેશ બત્રાની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ની જાહેરાત થતાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને સાન્યા મલ્હોત્રાની આ અનોખી જોડી પહેલી વાર એક સાથે દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા એક ગુજરાતી છોકરીનું પાત્રમાં ભજવશે.
દિલ્હીમાં જન્મેલી અને ઉછરેલી સાન્યા મૂળે પંજાબી છે અને એવામાં પોતાની આગામી ફિલ્મ ‘ફોટોગ્રાફ’માં ગુજરાતી પાત્ર ભજવવા માટે તે પોતાની ભાષા પર કામ કરી રહી છે. ગુજરાતી લહેકો લાવવા માટે સાન્યા હાલ ટ્રેનિંગ લે છે જેના કારણે તે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી શકે. આ ફિલ્મ માટે સાન્યા ઘણી મહેનત કરે છે અને કોઈ કસર બાકી રહેવા દેતી નથી.
ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આવેલા ધારાવી વિસ્તારમાં થયેલું છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ લંચ બૉક્સના સફળ સહયોગ પછી દિગ્દર્શક રિતેશ ફરી એક વાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરે છે. છેલ્લે બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બધાઈ હો’માં જોવા મળેલી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં એક અંતર્મુખી કૉલેજ ગર્લનું પાત્ર ભજવતી જોવા મળશે જે પોતાની સ્ટડીમાં અવ્વલ આવે છે.
રિતેશ બત્રાએ લખેલી તેમજ દિગ્દર્શિત કરેલી ફિલ્મ ફોટોગ્રાફને એમેઝોન સ્ટડિઝ દ્વારા ધ મેચ ફેક્ટરી સાથે મળીને રજૂ કરવામાં આવી છે અને આ ફિલ્મ ૮ માર્ચ ૨૦૧૯ના દિવસે ભારતમાં રિલીઝ થશે.