થોડા દિવસમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. તેની સાથે જ રામલીલાની પણ શરૂઆત થઈ જશે. દિલ્હીની લવકુશ રામલીલાની દર વર્ષે જોરશોરથી ચર્ચા થાય છે. આ વખતે રામલીલા શરૂ થતાં પહેલાં જ વિવાદ થઈ ગયો છે. આ વિવાદનું મૂળ મોડેલ અને વિવાદિત એક્ટ્રેસ પૂનમ પાંડે છે. હકીકતમાં જોઈએ તો, હાલમાં જ જાહેરાત થઈ હતી કે પૂનમ પાંડે દિલ્હીની રામલીલામાં મંદોદરીનો રોલ નિભાવશે. હવે આ જાહેરાતના એક દિવસ બાદ વિવાદ થઈ ગયો છે. હકીકતમાં તેને લઈને અયોધ્યાના સંતોએ નારાજગી વ્યક્ત કરી છે.પૂનમ પાંડે ઘણી વાર અશ્લીલ વીડિયો અને ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લે તેના મોતના સમાચાર ઉડાવીને વિવાદોમાં આવી. બાદમાં તેણે જણાવ્યું કે તે સર્વાઇકલ કેન્સરની વેક્સિન માટે જાગૃતિ ફેલાવી રહી હતી.હવે પૂનમ પાંડે મંદોદરી બનવાને લઈને મુદ્દો ગરમાઈ રહ્યો છે. સંત દિવાકરાચાર્યજી મહારાજે તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મહારાણી મંદોદરી રાવણની પત્ની હતી અને તેમના સતી વ્રત અને પતિ વ્રતમાં ક્યારેય કોઈ આંચ નથી આવી.જ્યારે રાવણે જગત જનની મા સીતાનું હરણ કર્યું હતું ત્યારે રાવણનો મંદોદરીએ વિરોધ કર્યો હતો. મંદોદરીનું જે પણ પાત્ર નિભાવે તે પવિત્ર તન-મનવાળા હોવા જોઈએ. મંદોદરીનો રોલ નિભાવનારી પૂનમ પાંડેનું નામ લીધા વિના દિવાકરાચાર્યે કહ્યું કે, પૈસા કમાવવા માટે શરીર વેચવાનું તે કામ કરે છે.સંત દિવાકરાચાર્યજી મહારાજે આગળ કહ્યું કે, હું એનું નામ પણ નથી લેવા માગતો, આવા લોકો દ્વારા કરવામાં આવેલી રામલીલાને જોવાનું હિન્દુ સમાજ સ્વીકાર નહીં કરે. આવા મંચનો સૌ લોકોએ વિરોધ કરવો જોઈએ. આ કોઈ રામલીલા નહીં પણ કાવતરું છે. હિન્દુ ધર્મ અને આપણા સનાતન વિરુદ્ધનું કાવતરું છે.બીજી બાજુ પૂનમ પાંડેના રામલીલામાં પરફોર્મ કરવાના વિરોધમાં હનુમાનગઢીના સંત ડો. દેવેશચાર્ય પણ આગળ આવ્યા. તેમણે કહ્યું કે અશ્લીલ મહિલા દ્વારા લવ કુશની રામલીલામાં મંદોદરીનો અભિનય કરવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. રામલીલા અમારા સમાજમાં ખૂબ જ મહત્ત્વની છે. ચિત્રથી ચરિત્રનું નિર્માણ થાય છે. રામલીલાનું સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. સામાજિક સમરસતામાં રામલીલાનું મોટું યોગદાન છે.