સુરત: છેલ્લા ૨૫ વર્ષથી કલાકારો અને કલાક્ષેત્રને ઉત્તેજન અને પ્રોત્સાહન માટે કાર્યરત ‘સંસ્કાર ભારતી’ ગુજરાત પ્રાંત દ્વારા સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાજ્યપાલ ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં અને યુવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત દ્વિતીય ધન્ય ધરા ગુજરાત સંસ્કારોત્સવ-૨૦૧૮ અંતર્ગત ગુજરાતના ખ્યાતનામ કલાસધાકોનો કલાદર્શન અને સંસ્કાર સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કલાના ક્ષેત્રમાં બહૂમૂલ્ય પ્રદાન બદલ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે ૧૫ કલાસાધકોને સંસ્કાર વિભૂષણ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, કોઈ પણ સુસંસ્કૃત સભ્ય સમાજ અને રાષ્ટ્રની ઓળખ કલા દ્વારા નિર્માણ પામે છે. રાષ્ટ્રની વાસ્તવિક સમૃદ્ધિનો આધાર તેની કલા અને કલાના સાધકો પર નિર્ભર છે. રાષ્ટ્રીય ચેતનાની જ્યોતને પ્રજ્વલિત કરી રાષ્ટ્રનિર્માણમાં કલાસાધકો નિમિત્ત બન્યા હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, દેશના વિકાસનો માપદંડ આર્થિક, ઔદ્યોગિક કે શૈક્ષણિક વિકાસ પર નહિ, પરંતુ રાષ્ટ્રની કલા અને સંસ્કૃતિ પર નિર્ભર છે. આપણો દેશ કલા, સાહિત્ય, સંસ્કાર અને ઉચ્ચતમ વિચારસરણીના વિવિધ રંગોથી બનેલો સુંદર ગુલદસ્તો છે.
યુવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માનવીને પરિષ્કૃત અને સુસંસ્કૃત બનાવવાની ક્ષમતા કલામાં રહેલી છે. કલા અને પ્રતિભાના અનેક રૂપો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આખરે કલાનો આત્મા તો એક જ છે. કલા એ ‘સત્યમ, શિવમ અને સુંદરમ’ને ચરિતાર્થ કરતી વિચારધારા છે તેમ જણાવી ઉમેર્યું કે, કલાકારો એ કલાસાધકો જ નહિ, પણ રાષ્ટ્રસાધનાના વાહકો છે. આ વેળાએ તેમણે પારિતોષિક વિજેતા કલાકારોને અભિનંદન પાઠવીને ભાવિ પેઢીમાં કલા પ્રત્યે રસરૂચિ કેળવી સુસંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. સમારોહમાં લેખક નિરંજન રાજ્યગુરુ, કવિ-નાટ્યકાર અને ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઈટર ડો. જયેન્દ્ર શેખડીવાલા, લોકસાહિત્યકાર યોગેશદાન ગઢવી, અભિનેતા જીતેન્દ્ર ભટ્ટ, સંગીતકાર અને ગાયિકા શ્રદ્ધાબેન શ્રીધરાણી, ચારણી સાહિત્યકાર યશવંતભાઈ ગઢવી, કચ્છી લોકગાયક મોરાભાઈ ફફલ, સુરતના સી.એ. અને નાટ્યકાર રૂપિન પચ્ચીગર, વનવાસી કલાવિદ ભગવાનદાસ પટેલ, ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદ યદુવીરસિંઘ રાવ, લોકસાહિત્યકાર ચતુરદાન ગઢવી, લોકસાહિત્યકાર ઘનશ્યામ લખાણી, ચિત્રકાર ચંદ્રકાંત પ્રજાપતિ, ભૂઅલંકૃતિકાર કમલેશ વ્યાસને સંસ્કાર વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ વેળાએ રામકૃષ્ણ એક્સપોર્ટ લિમિટેડના અરજણભાઈ ધોળકિયાને વિશેષરૂપે ‘સૂર્યપૂર ભૂષણ’ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્કાર ભારતીના દક્ષિણ ગુજરાત પ્રમુખ રાજુભાઇ પરમારે ગુજરાતના કુલ ૧૨ અને ગુજરાત બહાર વસતા ૦૩ કલાસાધકોને સન્માનવાનો અમારો ઉમદા પ્રયાસ હોવાનું જણાવી નવી પેઢીને કલા, સંસ્કાર અને સાહિત્યનો વારસો આપવાનો સૌને અનુરોધ કર્યો હતો.
કલાગુરુ રવિશંકર રાવળની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત ‘કલાગુરુ રવિશંકર રાવળ, ભાગ-૧’ ગ્રંથ અને ‘સંસ્કાર સરિતા’ સામયિકના પુનઃપ્રકાશન નિમિત્તે પ્રથમ અંકનું વિમોચન પણ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમારોહમાં અધિક નિવાસી કલેકટર સંજય વસાવા, સિટી પ્રાંત બી.એસ. પટેલ, ગુજરાત કલા પ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીકભાઈ ઝાપડિયા સહિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.