અનંત પટેલ
શંકા કરવી સ્ત્રીઓનો જન્મજાત ગુણ ( કદાચ અવગુણ !!) છે. એ અડોશ-પડોશમાં, ઘરમાં-કુટુંબમાં કે કોઇને ત્યાં કશાક પ્રસંગમાં એને જે પસંદ ન હોય તેવું જૂએ એટલે તરત જ જાત જાતની શંકાઓ કરવા માંડે છે. પાછું જો શંકાને પોતાના મનમાં સંઘરી રાખે તો બહુ સારું પણ ના, મનમાં પ્રગટેલી કે પ્રગટાવેલી શંકા જ્યાં સુધી એ બીજી સ્ત્રીને એ ખાનગી રાખવાની શરતે સોંપે નહિ ત્યાં સુધી એને ચેન પડતું નથી. એને કાયમ પોતાને ગમતું હોય એવું જ જોવું છે. તમે તમારા ઘરંની સ્ત્રીઓ સબંધમાં આ બાબતે શાંત રીતે થોડા દિવસ ગુપ્ત અવલોકન કરવાનું રાખો. તમને અમારી વાતમાં જરૂર તથ્ય લાગશે જ…
માધુરી ભણતી હતી ત્યારથી જ નાની નાની બાબતોએ શંકાઓ સેવવા ટેવાઇ ગઇ હતી અને એમાં પાછો એનો મમ્મીનો ફાળો ય કંઇ ઓછો ન હતો. હાસ્તો, નાના બાળકને તો જેમ વાળો એમ વળતું હોય છે એટલે માધુરીનો સ્વાભાવ શંકાશીલ થવા બાબતે એની મમ્મીનો ફાળો અમૂલ્ય (!!!) હતો. કેમ કે માધુરી કંઇક જોયાની કે સાંભળ્યાની વાત લાવે તો એની મમ્મી એને એ બાબતે વધારે ધ્યાન રાખવાનું અને ઉંડી તપાસ કરવાનું શીખવાડતાં હતાં. આવી છોકરીને લગ્ન પછી જો તેનો સ્વભાવ ન બદલાય તો ઘણી જ તકલીફ પડતી હોય છે. તકલીફ તો એવી પડે કે એ દુ:ખી-દુ:ખી થઇ જતી હોય છે. શંકા તમારા સુખને છીનવી લેતી હોય છે. માધુરી દેખાવે રૂપાળી અને ગ્રેજ્યુએટ થયેલી હતી એટલે બીજી કોઇ રીતે તો તેને વાંધો આવે તેમ તો ન હતું. માધુરીના પરણી ગયા પછી તેની મમ્મીને માધુરીના શંકાશીલ સ્વભાવની બહુ જ ચિંતા થવા લાગી હતી, કેમ કે નાના અમથા કારણસર એના જીવનમાં કશોક ડખો થાય તો એનું નિરાકરણ કરવાનું ય ઘણું અઘરું થઇ પડે. આજે તો એમણે પોતે શરુઆતથી માધુરીને વધારે ને વધારે શંકાશીલ બનાવવામાં જે યોગદાન કરેલું તે યાદ આવી જતાં ખૂબ જ ગભરાઇ જતાં હતાં પણ હવે થાય શું ? વીતી ગયેલો સમય થોડો પાછો આવવાનો હતો? થોડા દિવસ બાદ માધુરી સાસરેથી મમ્મી પપ્પાને મળવા આવી ત્યારે તેને ખૂબ જ ખુશ ખુશાલ જોઇ એનાં મમ્મીને દિલમાં તો હાશ થઇ…. પરંતુ એ એકલી પડવાની રાહ જોવા લગ્યાં કદાચ એકાંતમાં એ કશુંક કહે પણ ખરી.. તેમ છતાં માધુરી એકલી પડી ત્યારે ય એણે ન તો એના પતિ અંગે કે તેના સાસરા પક્ષના કોઇપણ વ્યક્તિ માટે કશી જ ફરિયાદ કે શંકાસ્પદ વર્તનની વાત જ ન કરી એ તેનાં મમ્મીને ખૂબ જ રાહત આપનારું બન્યુ. એ તો આનંદમાં આવી ગયાં અને પ્રસન્નતાથી બધું કામકાજ કરવા લાગી ગયાં. ખરી વાત છે, સાસરેથી પ્રથમ વાર પિયર આવતી દીકરીને આનંદિત જોયા પછી કઇ મા રાજી ન થાય ?
પછી તો માધુરી સાસરેથી આવતી જતી રહેવા લાગી, ક્યારેય એણે કશીય ફરિયાદ કરી જ નહિ.. આ બધું જોયા પછી તેનાં મમ્મીને થતું, માધુરીનો સ્વભાવ સાસરે જઇને કઇ રીતે બદલાઇ ગયો હશે? કોણે એને સલાહ આપી હશે? આ બાબતે એમને રહેવાયું નહિ એટલે એકવાર માધુરી સાથે નિખાલસતાથી ચર્ચા કરી તો માધુરીએ શું કહ્યું ખબર છે? લ્યો, ત્યારે આપણે એ માધુરીના મોઢે જ સંભળીએ,
“મમ્મી મને સાસરે ગયા પછી મારાં સાસુએ બીજી થોડી બહેનો બેઠી હતી ત્યારે વાત વાતમાં એવું કહેલું કે આપણી બધી બેનોના સ્વભાવ વહેમીલા બહુ હોય છે, પણ હું તો બધાંને કહીશ કે જો જીવનમાં સુખી થવું હોય તો ક્યારે ય કશો વહેમ કે શંકા કુશંકા રાખશો જ નહિ… કેમ કે તમે એકવાર કલ્પના કરી જો જો કે જો તમારી શંકા સાચી પડી તો ??? વળી આપણે લગભગ સારી શંકા તો કરતાં જ નથી… આપણે નજીકના જ સ્નેહીજનો વિશે કરેલી ખરાબ ખરાબ શંકાઓ કોઇ દિ’ સાચી પડે તો આપણી જીંદગીમાં તો ભૈશાબ બાર વાગી જાય બાર….”
જોયુંને? માધુરીએ એનાં સાસુની વાતને ગંભીરતાથી લઇને પોતાની શક કરવાની ટેવને કાઢી જ નાખી તો એને જીવવાની કેવી મઝા પડી ગઇ.. તમે પણ ખાલી અમથીઅમથી ય તમારી શંકાઓ સાચી પડવાની ધારણા તો કરી જો જો ને ….. જોયું ? શું થયું ? ….. ડરી ગયાને ? … તો ચાલો આજથી આપણે કોઇના વિશે કંઇ પણ શંકા કુશંકા કરીશું નહિ તેવો સંકલ્પ કરી જ લઇએ. …