ભારતની સૌથી વિશ્વસનીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે ચેન્નઇ નજીક શ્રી પેરુમ્બુદુરમાં નવા કોમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે ભારતમાં રૂ.1,588 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
આ નવું ઉત્પાદન એકમ 22 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તે પ્રતિ વર્ષ 8 મિલિયન કોમ્પ્રેસરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે, જેનો ભવિષ્યમાં વિસ્તાર વધારવામાં આવશે. આ પ્લાન્ટ ખાતે ઉત્પાદિત કરાયેલા કોમ્પ્રેસરનો ઉપયોગ ભારતમાં સેમસંગ દ્વારા ઉત્પાદિત થયેલા રેફ્રિજરેટર્સમાં કરવામાં આવશે અને વધુમાં તેની નિકાસ પણ કરાશે.
મંગળવારે કંપનીએ રાજ્યમાં નવા પ્લાન્ટ માટે, કમ્પોનન્ટ ઇકોસિસ્ટમના વિસ્તરણ અને તેને વધુ મજબૂત બનાવવા માટે તમિલનાડુ સરકાર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.
ચેન્નઇ ખાતે યોજાયેલા MoU હસ્તાક્ષર સમારંભમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને વિશેષ ઉપસ્થિત રહીને સમારંભની શોભા વધારી હતી. ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં ઉદ્યોગ મંત્રી શ્રી થાંગમ થેન્નારાસુ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.ક્રિષ્ણન, તમિલનાડુ ઔદ્યોગિક માર્ગદર્શન અને નિકાસ પ્રોત્સાહન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર પૂજા કુલકર્ણી, તમિલનાડુ રાજ્ય ઔદ્યોગિક પ્રોત્સાહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર ટી. આનંદ, સેમસંગ સાઉથ-વેસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ કેન કાંગ અને સેમસંગ ચેન્નઇ ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર બ્યોંગજિન કોંગનો સમાવેશ થાય છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને જણાવ્યું હતું કે, “સેમસંગ તમિલનાડુની વિકાસ ગાથા, સતત વધી રહેલા રોકાણ અને રોજગારીના સર્જનનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે. આ નવું રોકાણ સેમસંગ દ્વારા રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટેનું વધુ એક પગલું છે.”
સેમસંગ સાઉથ-વેસ્ટ એશિયાના પ્રેસિડન્ટ અને સીઇઓ કેન કાંગે જણાવ્યું હતું કે, “રૂ.1,588 કરોડનું આ નવું રોકાણ તમિલનાડુના લોકો પ્રત્યે અમારી અવિરત કટિબદ્ધતાનો વધુ એક પુરાવો છે, જેઓ 20007માં અમારી ફેક્ટરીની સ્થાપના બાદ અમારા લાંબાગાળાના ભાગીદાર બની રહ્યાં છે. આ સમગ્ર વર્ષો દરમિયાન અમે રાજ્ય અને સ્થાનિક સત્તાધિકારીઓ તરફથી મજબૂત સહયોગ પ્રાપ્ત કર્યો છે, જે અમને ‘ડિજિટલ ઇન્ડિયાના સશક્તિકરણ’ની કલ્પનાને નવી ઉર્જા પૂરી પાડવામાં મદદ કરી રહ્યાં છે. આ નવું કોમ્પ્રેસર મેન્યુફેક્ચરિંગ એકમ અમને સમગ્ર દેશભરમાં સેમસંગના નવીન ડિજિટલ ઉપકરણો માટે વધી રહેલી માંગને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે અને વધુમાં નિકાસને પણ વેગવાન બનાવશે.”
2007માં સ્થાપિત કરાયેલું શ્રી પેરુમ્બુદુર મેન્યુફેક્ચરિંગ એકમ બે પૈકીની એક ફેક્ટરી છે જેને સેમસંગ ભારતમાં સંચાલિત કરે છે. સેમસંગની અગ્રગણ્ય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં લક્ઝરી QLED TVs, લાઇફસ્ટાઇલ TV ધ ફ્રેમ, નવીન કર્ડ મેસ્ટ્રો રેફ્રિજરેટર્સ, બે ભાષામાં યુઝર ઇન્ટરફેસ ધરાવતું AI ઇકો બબલ વૉશિંગ મશીન અને વિંડ ફ્રી ACનું મેન્યુફેક્ચરિંગ આ પ્લાન્ટ ખાતે કરવામાં આવે છે. આમાંથી કેટલાક નવીન ડિજિટલ ઉપકરણોનો નિકાસ અન્ય દેશોમાં કરવામાં આવે છે.
1995માં ભારતમાં પોતાના આગમનથી જ સેમસંગે નવીન શોધખોળ આધારિત મેન્યુફેક્ચરિંગ અને કન્ઝ્યુમર માર્કેટિંગમાં નવા સિમાચિહ્નો સ્થાપિત કર્યા છે અને પોતાને એક રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરી છે. તેણે નવી દિલ્હી નજીક નોઇડા અને શ્રી પેરુમ્બુદુરમાં બે ફેક્ટરીઓ, પાંચ સંશોધન અને વિકાસ કેન્દ્રો તથા એક ડિઝાઇન કેન્દ્ર સાથે દેશના બજારમાં પોતાની મજબૂત લીડરશીપ સ્થાપિત કરી છે. સેમસંગની આ સફળતા 2,00,000થી વધારે રિટેલ આઉટલેટ્સ અને 3,000થી વધારે ગ્રાહક સેવા કેન્દ્રોના મજબૂત નેટવર્ક દ્વારા સમર્થિત છે.