પંચકુલા : સમજોતા એક્સપ્રેસ બોંબ બ્લાસ્ટ મામલામાં સ્વામી અસિમાનંદ અને અન્ય ત્રણ આરોપીઓને મુક્ત કરી દેનાર એક ખાસ અદાલતે કહ્યું છે કે, વિશ્વસનીય અને સ્વીકાર કરી શકાય તેવા પુરાવા નહીં હોવાના કારણે આ કૃત્યમાં કોઇપણ ગુનેગારને સજા થઇ શકી નથી. આ મામલામાં ચારેય આરોપીઓ સ્વામી અસિમાનંદ, લોકેશ શર્મા, કલમ ચૌહાણ અને રાજિન્દર ચૌધરીને ૨૦મી માર્ચના દિવસે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. એનઆઇએ કોર્ટના ન્યાયાધીશ જગદીપસિંહે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, તેમને ખુબ પીડા સાથે આ ચુકાદાને પૂર્ણ કરવાની ફરજ પડી રહી છે. કારણ કે વિશ્વસનીય પુરાવા મળી રહ્યા નથી. આ કૃત્યમાં કોઇને પણ ગુનેગાર ઠેરવી શકાય તેમ નથી. આતંકવાદનો આ મામલો ઉકેલી શકાયો નથી.
અત્રે નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસમાં ૧૮મી ફેબ્રુઆરી ૨૦૦૭ના દિવસે હરિયાણાના પાનીપતમાં બ્લાસ્ટ થયો હતો. તે વખતે ટ્રેન અટારી જઈ રહી હતી જે ભારત તરફ અંતિમ સ્ટેશન છે. આ બોંબ બ્લાસ્ટમાં ૬૮ લોકોના મોત થયા હતા. ન્યાયાધીશે કહ્યું હતું કે, આતંકવાદીઓના કોઇ ધર્મ હોતા નથી. કારણ કે દુનિયામાં કોઇપણ ધર્મ આતંકવાદ અને હિંસાને પ્રેરણા આપતો નથી.
૨૮મી માર્ચના દિવસે ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટે લોકપ્રિય અને પ્રભાવી સાર્વજનિક ધારણા અથવા રાજકીય ભાષણો હેઠળ આગળ વધવું જોઇએ નહીં. પુરાવા ખુબ જરૂરી છે. કોર્ટની પાસે ચુકાદો આપવા માટે પુરાવાની જરૂર હોય છે જેથી આ પ્રકારના મામલા વધારે ગંભીર બની જાય છે. ન્યાયાધીશે કહ્યું હતું કે, શંકા કેટલી પણ ઘેરી હોય તો પણ પુરાવા બની શકે તેમ નથી. સમજાતા બ્લાસ્ટના આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. કારણ કે તેમાં પુરાવા મળી શક્યા નથી.