અહીંના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં 27મી ફેબ્રુઆરી, 2022, રવિવારના રોજ પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે દેશ-વિદેશમાં વિવિધ ક્ષેત્રે માનવતાલક્ષી કાર્યો કરતી વ્યક્તિવિશેષને સેલ્યૂટ ઈન્ડિયા એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે, આ દસ વ્યક્તિવિશેષ કરુણા અને સંવેદનાના સાચાં સરનામાં છે. સાર્થક જીવન જીવતા આ લોકો ખરેખર માનવતાની મૂડીસમા છે અને તેમાંથી અનેક લોકોને પ્રેરણા મળી શકે તેમ છે. તેઓ નિઃસ્વાર્થભાવે કાર્ય કરીને સ્વસ્થ સમાજના નિર્માણમાં મોટું પ્રદાન આપી રહ્યા છે.
આ પ્રસંગે ન્યૂ યોર્ક ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખ અને સમાજ સેવક હીરુભાઈ પટેલ, અમેરિકા છોડીને અમદાવાદમાં ગરીબો માટે કાર્ય કરતા માનવ સાધના સંસ્થાના વિરેન જોશી, લંડનમાં 40 વર્ષ મંદિર નામની રેસ્ટોરન્ટ ચલાવી શાકાહારનો પ્રસાર કરનાર, સંસ્કૃતિનું સંવર્ધન કરનાર રમેશભાઈ પટેલ પ્રેમોર્મિ (મરણોત્તર)ને સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ એનાયત કરાયા હતા. દિવ્યાંગોને રોજગારી આપીને સમગ્ર વિશ્વમાં નમૂનારૂપ ઉદાહરણ આપનાર, કલાના સંવર્ધક નિશીથ મહેતા, ભારતમાં સૂર્ય ઊર્જાના ભિષ્મપિતામહ સમા પ્રણવ મહેતા, હજારો મુસ્લિમ મહિલાઓના જીવનમાં અજવાળું પાથરનાર મહેરુનિસ્સા દેસાઈ, 51 વર્ષ પછી સમાજ માટે કમાણી કરનાર, સમાજને 11 કરોડનું દાન આપવાનો સંકલ્પ કરનાર જાણીતા હાસ્યલેખક અને હાસ્યકાર જગદીશ ત્રિવેદીને સેલ્યૂટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ પ્રદાન કરાયા હતા. આ ઉપરાંત દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરનાર શાસ્ત્રી કૃષ્ણશંકરજીના પૌત્ર ભાગવત ઋષિ શાસ્ત્રી, ઈમિગ્રેશન ક્ષેત્રે સંશોધન કરીને સમાજ ઉપયોગી કામ કરનાર ડૉ. સુધીર શાહ અને ભારતીય સંસ્કૃતિના અંગસમી સાડીનો સમગ્ર વિશ્વમાં પ્રસાર કરનાર આસોપાલવ બ્રાન્ડ માટે શ્રી કિરણ વોરાને એનઆરઆઈ સેતુરત્ન એવોર્ડ એનાયત કરાયા હતા. આ પ્રસંગે મેનોપોઝ હેલ્થ ક્લબનાં સ્થાપક ડૉ. કલાબહેન શાહ તથા પર્યાવરણીય સ્થપતિ હિમાંશુ પટેલ, જાણીતાં લેખિકા અનિતા તન્ના મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના સ્થાપક રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, આ સમારંભ સારપ, સિદ્ધિ અને સંવેદનાને પોંખવાનો સમારંભ છે. દુનિયાના ખૂણે ખૂણે જે લોકો માનવતાલક્ષી સેવાકાર્યો કરે છે તેને સમાજ તરફથી નાનકડી પહોંચ આપવાનો આ પ્રસંગ છે.
આ કાર્યક્રમમાં અમેરિકા, લંડન, મુંબઈ, ભાવનગર, વડોદરા, આણંદ એમ વિવિધ સ્થળોએથી આમંત્રિત આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ હતી કે, ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમમાં તમામ આમંત્રિતોને એવોર્ડ વિજેતાઓની કેફિયત સાંભળવાની ખૂબ મજા આવી હતી. સમગ્ર સમારંભમાં પ્રેમ, સંવેદના અને કરુણાનું સુંદર વાતાવરણ ઊભું થયું હતું.