જોધપુરઃ ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચુકેલા વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે આજે જામીન અંગે ચાલી રહેલી ચર્ચામાં સુપરસ્ટાર સલમાન ખાનને હવે ભારતની બહાર જતી વેળા કોર્ટની મંજુરી લેવા માટે કહ્યું હતું.
જોધપુરની કોર્ટે આજે આદેશ જારી કર્યો હતો. અભિનેતા સલમાન ખાન તરફથી શુક્રવારના દિવસે વિદેશ જવાની મંજુરી માંગતી અરજી દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ કોર્ટમાં સલમાનને આર્મ્સ એક્ટના કેસમાં છોડી મુકવાની સામે પ્રદેશ સરકાર તરફથી અરજી પર સુનાવણી ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જાધપુરની કોર્ટે ૫મી એપ્રિલના દિવસે આ કેસમાં બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના ઉપર ૧૦૦૦૦ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો. જો કે, બે દિવસમાં જ સલમાન ખાનને જામીન મળી ગયા હતા. સજાની અવધિ ત્રણ વર્ષથી વધુ હોવાથી સલમાનને માત્ર સેશન કોર્ટ પાસેથી જ જામીન મળી શકે છે અને સેશન કોર્ટમાં સલમાનના જામીન ઉપર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
૧૯૯૮માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ માટે સલમાન ખાન જાધપુર હતો. તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા. આરોપ છે કે, સલમાને ધોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ૨૭-૧૮ સપ્ટેમ્બરની રાત્રે હરણનો શિકાર કર્યો હતો. કાંકાણી ગામમાં ૧લી ઓક્ટોબરે કાળા હરણના શિકારનો આરોપ છે. ૧૯૯૮માં ફિલ્મની શૂટિંગ સમયે સલમાન પર ૪ કેસ દાખલ થયાં હતા. ત્રણ કેસ હરણના શિકાર અને ચોથા કેસ આર્મ્સ એક્ટનો હતો. સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવતા તેના કરોડો ચાહકો હતાશ થયા હતા.
તેની પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. તે હાલમાં રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત છે. ૨૫મી જુલાઇ ૨૦૧૬ના દિવસે રાજસ્થાન હાઇ કોર્ટે ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ ચિંકારા કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. એ વખતે હાઇકોર્ટે કહ્યુ હતુ કે તેની પાસે કોઇ નક્કર પુરાવા આ કેસમાં રહ્યા નથી. આજે સજા કરતા તમામ ચાહકો નિરાશ છે.