અમદાવાદ : લોકસભાની ચૂંટણીની તારીખો કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે જેના લીધે ગુજરાતમાં ચૂંટણીમય માહોલની શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર મહિલાઓ સંચાલિત મતદાન મથક સખી મતદાન મથકને મળેલી સફળતા બાદ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં હવે દરેક વિધાનસભા બેઠક દીઠ પાંચ સખી મતદાન મથક ઊભાં કરાશે. ચૂંટણી તંત્રએ આ માટેની અસરકારક કવાયત પણ હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઇ અમદાવાદમાં ૬૦ સહિત રાજ્યભરમાં કુલ ૯૧૦ સખી મતદાન કેન્દ્રો ઊભાં કરાશે. જેમાં પોલિંગથી લઈને સુરક્ષા સુધીનો સ્ટાફ માત્ર મહિલાઓ જ રહેશે. આ તમામ મતદાન કેન્દ્રોનું સંચાલન માત્ર મહિલાઓ જ કરશે. સખી મતદાન મથકની ઓળખ માટે મરૂન કલરનું અલગ બોર્ડ પણ લગાડાશે.
આ ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે પણ તંત્રએ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. તમામ મતદાન મથકો ઉપર બીએલઓ મારફત વ્હીલ ચેર કે વાહનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. પરંતુ આ માટે વિકલાંગ-દિવ્યાંગ, વૃદ્ધ કે અશક્ત મતદારે અગાઉથી જ યોગ્ય વ્યવસ્થાના ભાગ રૂપે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે.
તેમાં ક્યાં મતદાન મથકે તેઓ મતદાન કરવા આવવાના છે તે વિગત જણાવવાની રહેશે. ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન સહિત અન્ય ફરિયાદો માટે ૧૯પ૦ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. તેના પર મતદાર યાદી, ચૂંટણી સંબંધી માહિતી, ફરિયાદની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વખતે પહેલી વાર ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં જીપીએસ પણ લગાવાશે. તે સાથે જ પોલિંગ ઓફિસરની કારમાં જીપીએસ લાગશે. આ વખતની ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ ના નોંધાય તે માટે ચૂંટણી તંત્રએ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને મહત્વની ફુલપ્રુફ વ્યવસ્થા પણ કરી છે.