અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજભરમાં ભારે ચકચાર જગાવનારા ૧પ વર્ષ જૂના બોપલના ચકચારી સજની મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પ્રેમિકાને વેલેન્ટાઈન ડેના દિવસે ગિફ્ટ આપવા માટે તેની પત્નીની ગળું દબાવીને આરોપી પતિએ તેણની હત્યા કરી હતી અને ત્યારબાદ સતત પંદર વર્ષ સુધી નાસતો ફરતો રહ્યો હતો. ગુજરાત પોલીસ માટે કોયડો બની ગયેલા હત્યા કેસમાં વર્ષો પછી પણ પોલીસ આરોપીને શોધવામાં આખરે સફળ રહી છે. હત્યા બાદ પોલીસને તેના પતિ પર શંકા ગઈ હતી અને ધરપકડ કરે તે પહેલાં જ આરોપી પતિ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો અને ત્યાંથી પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. બોપલનો આ ચકચારી મર્ડર કેસ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ચકચારી કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૦૩માં બોપલના હીરાપન્ના ફ્લેટમાં મૂળ કેરળના તરુણ જિનરાજ અને તેની પત્ની સજની રહેતાં હતાં. તરુણ મેમનગરની એક જાણીતી સ્કૂલમાં પીટીનો શિક્ષક હતો જ્યારે સજની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.
તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ઢળતી સાંજે સજનીની હત્યા કરાયેલી લાશ ઘરના બેડરૂમમાંથી મળી આવી હતી. ઘટનાના પગલે જે તે સમયે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભાગ સરખેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સજની ડબલ બેડ પર જાણે ઘોર નિદ્રામાં હોય તે રીતે પડી હતી, તેના શરીર પર ઈજાનું એકેય નિશાન ન હતું કે ન તેનાં કપડાં વિખાયેલાં હતાં. તેના ઘરનો સામાન પણ વ્યવસ્થિત જ હતો તો પછી સજનીનું મોત કેવી રીતે થયું? તે પોલીસ માટે પણ કોયડો હતો. તરુણ સતત સજનીની હત્યા થઈ હોવાનું કહી રહ્યો હતો. પોલીસે તરુણની પૂછપરછ કરી ત્યારે પોલીસને પહેલી વાર સજનીની હત્યા થયાની વાતમાં વજૂદ લાગ્યું. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમ અને સ્નિફર ડોગ દ્વારા તપાસ આરંભી દીધી હતી. પોલીસકર્મીઓ ફ્લેટના એક ખૂણામાં બેસીને તરુણની ફરિયાદ નોંધી રહ્યા હતા અને પોલીસના સ્નિફર ડોગ સજનીનો મૃતદેહ જે રૂમમાંથી મળ્યો તે રૂમમાંથી બહાર નીકળીને સીડી ઊતરી ગયા હતા. જે ખૂણામાં પોલીસ ફરિયાદ નોંધી રહી હતી ત્યાં આવી પોલીસ ડોગે ભસવાનું શરૂ કર્યું હતું. પોલીસકર્મી અને તરુણ પણ કૂતરા સામે આશ્ચર્યભાવથી જોઈ રહ્યા હતા. ડોગની પાછળ આવેલા પોલીસ અધિકારીઓ સમજી ગયા કે ડોગ તરુણ પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. પોલીસને તરુણ પર શંકા મજબૂત બની હતી, પરંતુ મજબૂત પુરાવા વગર તરુણની સીધી ધરપકડ કરી લેવી શક્ય ન હતી. મોડી રાતે કેટલાક પોલીસકર્મીઓએ તરુણને નિવેદન નોંધવાનું છે તેમ કહી સરખેજ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. હાઈ પ્રોફાઈલ અને એજ્યુકેટેડ ફેમિલી હતું. જો કાંઈ કાચું કપાય તો પોલીસનું નાક કપાય તેમ હતું. પોલીસે નિવેદન સમયે પોલીસે તરુણનાં કપડાં અને હાથ પણ સૂંÎયા હતાં. તરુણ સમજી ગયો કે પોલીસને તેના પર જ હત્યા કર્યાની શંકા છે. તરુણના હાથમાંથી મળેલી પરફ્યૂમની સુગંધથી તરુણ જ હત્યારો હોવાની શંકા તેને આરોપ સાબિત કરતી હતી.
દરમ્યાનમાં તરુણના મિત્રોનાં નિવેદનમાં ઘટસ્ફોટ થયો કે તરુણને એક ખાનગી રેડિયો એફએમ સ્ટેશનની આરજે સાથે પ્રેમ હતો. બન્ને લગ્ન કરવા માગતાં હતાં. પોલીસને તરુણ પર પહેલાંથી જ શંકા હતી અને હવે હત્યાના કારણની પણ એક કડી મળી હતી. ફરી પૂછપરછ માટે તેને તાત્કાલિક પોલીસ સ્ટેશન બોલાવાયો હતો. પોલીસ તરુણને લેવા તેના ઘરે પહોંચી ત્યારે પોલીસની બોડી લેંગ્વેજથી તરુણ સમજી ગયો કે હવે તે પકડાઈ જશે. પોલીસ સ્ટેશન જવાની જગ્યાએ તબિયત લથડી છે તેમ કહી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. પોલીસે હોસ્પિટલ બહાર પહેરો ગોઠવી દીધો હતો, જેથી પોતે હવે પકડાઈ જશે તેવો અંદાજ આવતાં હોસ્પિટલમાંથી તરુણ ફરાર થઇ ગયો હતો. બાદમાં સજનીના પિતા ઓ.પી. ક્રિશ્નને તે સમયે મૂળ કેરળનો તરુણ પોતાના વતનમાં જ છુપાયો હોવાની શંકાથી તેની ખબર આપનારને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
સજનીના પિતા ઓ.પી. ક્રિષ્નનની રજૂઆતના આધારે વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કેસની ફેરતપાસનો હુકમ કરી તરુણને પકડી પાડવા આદેશ કર્યો હતો પણ તરુણની ભાળ કયાંય મળી ન હતી. આખરે ૧પ વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી તરુણને બેંગલુરુથી શોધી કાઢ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે તેને પોલીસે ઝડપી લીધો હતો. પોતાની પ્રેમિકાને વેલેન્ટાઈન ડેના દિવસે ગિફ્ટ આપવા માટે તેણે પત્ની હત્યા કરી નાખી હતી. પોલીસે હાલ તરુણની વધુ પૂછપરછ શરૂ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.