વિદેશમાં નોકરી-રોજગારી આપવાના બહાને વિદેશ ગયા બાદ રાજ્યના યુવાનોનું શોષણ ન થાય તે માટે તેમનામાં જાગૃતિ આવે અને રાજ્યના અધિકૃત રીક્રુટીંગ એજન્ટ મારફતે જ પોતાની વિદેશ જવાની સમગ્ર પ્રક્રિયા કરાવે તે હેતુથી કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ‘Safe and legal Migration’ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે.
વિદેશમાં રોજગારી અર્થે જતાં ગુજરાતી યુવક-યુવતીઓ સાથે છેતરપીંડી ન થાય તેવા હેતુથી રાજ્યમાં અધિકૃત રીક્રુટીંગ એજન્ટની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદના નવરંગપુરા બસ સ્ટેન્ડ નજીક વિસ્તારમાં ગરીમા પ્લેસમેન્ટ સર્વિસીસ, સ્વસ્તિક ચાર રસ્તા વિસ્તારમાં યુનિહન્ટ કન્સ્લટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને એસ.જી.રોડ બોડકદેવ વિસ્તારમાં ક્યુ એક્સ કેપીઓ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, સુરત ખાતે આનંદ મહલ રોડ અડાજણ વિસ્તારમાં વાઘેલા વર્લ્ડ વાઇડ કનેક્શન તેમજ ગોવિંદજી પાર્ક ઇચ્છાનાથ ઉમરા રોડ ઉપર એગ્લોવિઝન મેન પાવર કન્સલ્ટન્ટસ, વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનસ એન્ટરપ્રાઇસીસ, અલ કરીમ રેસિડેન્સી વિસ્તારમાં રોયલ કન્સલ્ટન્ટસ એન્ડ એક્સપોર્ટસ, ફતેહગંજમાં આફ્રિકોન કન્સલ્ટન્ટસ તેમજ રેલવે સ્ટેશન નજીક, જેતલપુર રોડ ઉપર ઇન્ટરનેશનલ ઓવરસીઝ રીસોર્સીસ એમ કુલ- ૦૯ અધિકૃત એજન્ટનો સમાવેશ થાય છે, જેની મારફતે વિદેશ જવા માટેની સમગ્ર પ્રક્રિયા કરાવવા રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગના પોલીસ મહાનિરીક્ષક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશમાં મજુરી-રોજગારી અર્થે પ્રાઇવેટ રીક્રુટમેન્ટ/પ્લેસમેન્ટ એજન્સીઓ અને બીનઅધિકૃત તેમજ શોષણ કરતા એજન્ટો મારફતે સ્થળાંતર કરતા સ્કિલ્ડ અને સેમીસ્કિલ્ડ મજુરોને પગાર ન ચુકવવા તેમના પાસપોર્ટ એજન્ટો/કંપનીઓ મારફત પડાવી લઇ કોન્ટ્રાક્ટ/વિઝાની શરતો વિપરીત મજુરી કામ કરાવી શોષણ કરવુ, ત્રાસ-મારઝુડ કરવી, વધુ કામ કરાવવુ, ખોટા કેસો કરાવવા વિગેરે પ્રકારની ફરીયાદો મળે છે. આવી ફરીયાદોનું નિરાકરણ કરવા વિદેશ વિભાગે POE Protectors of Emigrantsની વિવિધ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં જગ્યા ઉભી કરેલ છે જે બાબતે વિશેષ જાગૃતિ આવે તે હેતુથી સમગ્ર દેશમાં ‘Safe and legal Migration’ જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે.