અમદાવાદ: કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા વિસામો કિડ્સ ફાઉન્ડેશનના સહકારથી ગુરુવારે પ્રસિધ્ધ સંગીત જોડી સચિન-જીગરની સાથે એક શાનદાર કોન્સર્ટ(સંગીત સમારોહ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી સમાજસેવા જાગૃતિ તેમજ ફાઉન્ડેશનની સહાયરૂપ પહેલ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ શોએ ઉત્સાહી પ્રેક્ષકોને ખુબ જ આકર્ષિત કર્યા હતા. જેમાં મનોરંજન અને વંચિત બાળકોને સહાય આપવા માટે પરોપકારવૃત્તિનું સંયોજન જોવા મળ્યું હતું.
કેલોરેક્સ એજ્યુકેશન ગ્રુપની સામાજિક પહેલ, વિસામો કિડ્સ ફાઉન્ડેશન, વિતેલાં 22 વર્ષથી વધુ સમયથી વંચિત બાળકોને સહાય આપવા માટે અથાક મહેનત કરી રહી છે. સંસ્થા તેમને શૈક્ષણિક સંસાધનો, આરોગ્યસંભાળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીની તકો પૂરી પાડીને અનેક બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ કોન્સર્ટનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવા અને ફાઉન્ડેશનની પહેલ માટે મહત્વપૂર્ણ સમર્થન પ્રાપ્ત કરવાનો હતો.
આ રમણીય સાંજે પ્રેક્ષકોએ બોલિવૂડના બ્લોકબસ્ટર હિટ ગીતો માટે જાણીતા પ્રશંસનીય સંગીતકાર સચિન-જીગરના આકર્ષક અને શાનદાર પ્રદર્શનનો આનંદ માણ્યો હતો. પ્રેક્ષકોએ માત્ર અસાધારણ સંગીતનો જ આનંદ નહીં માણ્યો, પરંતુ એક સામાજીક અર્થપૂર્ણ કાર્યમાં પણ ઉપયોગી ફાળો આપ્યો, જેનાથી વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત બાળકોના જીવનમાં વાસ્તવિક, મૂર્ત પરિવર્તન આવ્યું હતું.
આ તકે વિસામો કિડ્સ ફાઉન્ડેશન કોન્સર્ટને જબરદસ્ત સફળ બનાવનારા તમામ સહભાગીઓ, દાતાઓ અને સંગીત પ્રેમીઓનો આભાર વ્યક્ત કરે છે.