નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચે કેરળના લોકપ્રિય સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું છે કે, પુરુષોની જેમ જ મહિલાઓને પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળે તે જરૂરી છે. મહિલાઓ પણ પ્રવેશ માટે હકદાર છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું છે કે, દેશમાં ખાનગી મંદિર માટે કોઇપણ પ્રકારના સિદ્ધાંતો નથી. મંદિર કોઇ પ્રાઇવેટ સંપત્તિ નથી. આ જાહેર સ્થળ છે. આવા જાહેર સ્થળો ઉપર જા પુરુષ જઇ શકે છે તો મહિલાઓ પણ જઇ શકે છે. મહિલાઓને પણ પ્રવેશની મંજુરી મળવી જાઇએ. સીજેઆઈએ કહ્યું છે કે, મંદિર ખુલે છે તો તેમાં કોઇપણ શ્રદ્ધાળુ જઇ શકે છે. કોઇપણ આધાર પર કોઇના પ્રવેસ ઉપર પ્રતિબંધ મુકી શકાય નથી. આ બંધારણની ભાવનાની વિરુદ્ધમાં છે.
બીજી બાજુ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે, બંધારણની કલમ ૨૫ હેઠળ તમામ નાગરિક કોઇપણ ધર્મની પ્રેક્ટિસ અથવા તો પ્રસાર કરવા માટે સ્વતંત્ર છે. આનો મતલબ એ છે કે, એક મહિલા તરીકે પ્રાર્થના કરવાનો અધિકાર રહેલો છે. કેરળ સરકારે આ મુદ્દા ઉપર ત્રણ વખત પોતાના વલણ બદલી દીધા છે. ૨૦૧૫માં રાજ્ય સરકારે સૌથી પહેલા મહિલાઓના પ્રવેશ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધની તરફેણ કરી હતી. ત્યારબાદ ૨૦૧૭માં સરકારે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ વર્ષે સરકારે કહ્યું હતું કે, મંદિરોમાં પ્રવેશથી મહિલાઓને રોકી શકાય નહીં.
ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજીમાં સુનાવણી વેળા આ ચુકાદો આવ્યો હતો. આ અરજીમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજુરી માંગવામાં આવી હતી. કેરળ હાઈકોર્ટે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર મુકાયેલા પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો હતો.