અમદાવાદ: રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત એવી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ સતત બની રહી છે છતાં જેલ તંત્ર કે ગૃહ વિભાગની આંખ નથી ઊઘડી રહી. છેલ્લા એક મહિનામાં ચાર વખત સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના બનતાં હવે સુરક્ષા અને સલામતીને લઇ સાબરમતી જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. અવારનવાર મોબાઇલ મળે છે તેનો અર્થ એ થાય કે, કાં તો જેલમાં જામર કામ કરતા નથી અથવા તો કેદીઓ માટે ચોક્કસ સમયે ઠપ્પ કરી દેવામાં આવે છે એવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે. જેને લઇ હવે ભારે વિવાદ સર્જાયો છે. ગઈકાલે પણ નવી જેલના સર્કલ યાર્ડ નંબર ૧૦માંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લા એક મહિનાથી સતત મોબાઈલ ફોન મળી આવવાની ઘટના બનતા જેલ ઝડતી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ગઈકાલે સ્પેશિયલ ઝડતી સ્ક્વોડના જેલર અને તેમની ટીમે નવી જેલના સર્કલ યાર્ડ નંબર ૧૦માં બાતમીના આધારે તપાસ કરતા દરવાજાની બહારના ભાગે તપાસ કરતાં ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોંન મળી આવતા યાર્ડ નંબર ૧૦/૧ અને ૧૦/રરની વચ્ચે કોમન બાથરૂમના દરવાજાના ખાંચામાં તપાસ કરતા અન્ય એક મોબાઈલ પણ મળી આવ્યો હતો. બે મોબાઈલ મળી આવતા બેરેકમાં હાજર કાચા કામના કેદીઓની પૂછપરછ કરતા મોબાઈલ ફોનની કોઈ પણ આરોપીએ કબૂલાત કરી ન હતી. જેથી જેલરે મોબાઈલ ફોન કબજે કરી રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં ફોર જી જામર હોવા છતાં મોબાઈલ મળે છે. એનો અર્થ એ થયો કે જામર કામ કરતા નથી અથવા તો કેદીઓ માટે ચોક્કસ સમયે ઠપ્પ કરી દેવામાં આવે છે. જેલ સત્તાધીશોની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠી રહેલા આવા સવાલોને લઇ ફરી એકવાર વિવાદ જાગ્યો છે. સરકાર અને તંત્ર દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જાવાનું રહ્યું.