થિરુવંતનપુરમ: કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશને લઇને થયેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી છે. એકબાજુ સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજુરી આપી છે જ્યારે બીજી બાજુ દેખાવકારો ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ ન આપવાને લઇને જિદ્દી વલણ અપનાવી રહ્યા છે. આજે પણ મજબૂત સુરક્ષા વચ્ચે મંદિરમાં જવાના પ્રયાસ કરી રહેલી બે મહિલાઓને દેખાવકારોએ પરત ફરવા ફરજ પાડી હતી. મંદિરના કપાટ ખુલ્લાને પાંચ દિવસ થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઇ મહિલાને તક આપવામાં આવી નથી.
ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસ મહિલાઓને લઇને પહોંચી રહી છે પરંતુ દેખાવકારો સામે પોલીસને પણ ઝુંકવાની ફરજ પડી રહી છે. હિંસક વિરોધ પ્રદર્શનના દોર વચ્ચે કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ કાર્યકર આર ચેન્નીથલા કહી ચુક્યા છે કે, સબરીમાલા મંદિર કોઇ પ્રવાસ સ્થળ નથી. રાજ્યમાં વિપક્ષી કોંગ્રેસે કેરળ પોલીસના વલણને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, માત્ર શ્રદ્ધાળુ જ મંદિરમાં જઇ શકે છે. હાલના સમયમાં કેરળની પોલીસ જે કંઇ કરી રહી છે તે યોગ્ય નથી. જા અમારી સરકાર રહી હોત તો મામલાને વધારે સારીરીતે હાથ ધરી શક્યા હોત. કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી છે. આજે પણ હિંસક પ્રદર્શન જારી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુર આપી હોવા છતાં હજુ સુધી કોઇ પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નથી. દેખાવકારો આક્રમક દેખાવ કરી રહ્યા છે.
પોલીસ પર દેખાવકારો ભારે પડી રહ્યા છે. બીજી બાજુ શુક્રવારે પણ બે મહિલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચી ગયા બાદ દેખાવકારોએ તેમને પરત ફરવા માટે અપીલ કરી હતી. સબરીમાલા એન્ટ્રી વિવાદ દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. મંદિરમાં પ્રવેશ માટે પહોંચેલી મહિલાઓને પરત મોકલવામાં આવી રહી છે. કેટલીક મહિલાઓની સાથે ધક્કામુક્કી પણ કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ કરનાર મહિલા કાર્યકર રહેના ફાતિમાના આવાસ ઉપર તોડફોડ કરવામાં આવી હતી. સબરીમાલા મંદિરની બહારનો નજારો યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે. સબરીમાલા સિન્નીથાનમની નજીક વલિયા નદાપંડાલમાં બે મહિલાઓને આગળ જતા રોકવામાં આવી હતી.
બે મહિલાઓ આઇજીની સાથે ૨૫૦ સુરક્ષા કર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ કરવા પહોંચી હતી પરંતુ સફળતા મળી ન હતી. એક ખ્રિસ્તી મહિલાને પણ વિરોધ બાદ પરત ફરવાની ફરજ પડી હતી. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવા માટે દેખાવકારોને અપીલ કરવામાં આવી રહી છે. મંદિરના એન્ટ્રી સ્થળ પર પહોંચી ગયેલી બે મહિલામાં હૈદરાબાદ મોજા ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને કાર્યકર રિહાના ફાતિમાનો સમાવેશ થાય છે. સબરીમાલા મંદિરના પુજારા મહિલાઓને મંદિરમાં ન આવવા માટેની અપીલ કરી રહ્યા છે. જ્યારે દેખાવકારો સુપ્રીમ કોર્ટના આદેશની સામે મહિલાઓના પ્રવેશને રોકવા માટે દેખાવ કરી રહ્યા છે.