થિરુવનંતપુરમ: સબરીમાલા મંદિરમાં બે પ્રતિબંધિત વયની મહિલાની એન્ટ્રી બાદ કેરળમાં ભૂકંપ જેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. આ એન્ટ્રીની સામે કેટલાક સંગઠનો દ્વારા આજે રાજ્યવ્પાપી બંધની હાકલ કરવામાં આવી હતી. બંધ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં એક વ્યક્તિનુ મોત થયુ છે. ભાજપે બંધને ટેકો આપ્યો છે. હડતાળ અને બંધના કારણે જનજીવનને અસર થઇ હતી. બંધને ધ્યાનમાં લઇને પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે ૧૦-૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી રોકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદથી મંદિરમાં પ્રવેશ કરવા માટેના સતત પ્રયાસ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા હજુ સુધી કોઇ મહિલાને પ્રવેશની મંજુરી આપી નથી. જા કે આ બે મહિલાના દાવાથી હોબાળો મચી ગયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોઇ પણ પ્રતિબંધિત મહિલા અયપ્પાના દર્શન કરવામાં સફળ રહી નથી.
બે મહિલાઓએ દાવો કર્યો છે કે તેઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. આ બે મહિલાઓ પૈકી એકની ઓળખ બિન્દુ તરીકે અને બીજી મહિલાની ઓળખ કનકદુર્ગા તરીકે થઇ છે. સ્થાનિક પુજા ૧૪મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સીપીઆઇ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનુ મોત થયુ છે. સાથે સાથે બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સરકારે કહ્યુ છે કે તમામને સુરક્ષા આપવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.