રશિયાએ પાકિસ્તાનની સસ્તું તેલ આપવાની માંગણી ઠુકરાવી દીધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજોના ભાવ આકાશે આંબી રહ્યા છે. જનતા હેરાન પરેશાન છે. શાહબાજ શરીફ પણ માથું ખંજવાળી રહ્યા છે કે આ મોંઘવારીને કેવી રીતે પહોંચવું. ભારતનું જોઈને શરીફ સરકારે પણ પોતાના પ્રતિનિધિ મંડળને રશિયા મોકલ્યું અને ભારતની જેમ સસ્તું તેલ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ રશિયાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો. રશિયાએ પાકિસ્તાનની માંગણી ઠુકરાવી દીધી અને કહ્યું કે તે બાકી દેશોને જે રીતે ઓઈલ વેચવામાં આવે છે તે કિંમતે જ તે પાકિસ્તાને પોતાનું ઓઈલ વેચશે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પેટ્રોલિયમ રાજ્યમંત્રી મુસાદિક મલિકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ૨૯ નવેમ્બરે રશિયા ગયું હતું. આ પ્રતિનિધિમંડળે બુધવારે રશિયાના અધિકારીઓ સાથે વાતચીતમાં સસ્તા ભાવે ઓઈલ આપવાનો આગ્રહ કર્યો.

પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું કે તેમને પણ ભારતની જેમ ભાવમાં ૪૦ ટકાની છૂટ સાથે ઓઈલ આપવું જોઈએ. રશિયાના અધિકારીઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની વાત તો ધ્યાનથી સાંભળી પણ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ગુરુવારે રશિયાના અધિકારીઓએ ભારતની જેમ ભાવમાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટ પર ઓઈલ વેચવાની માંગણી ફગાવી દીધી. રશિયાએ પાકિસ્તાની ડેલિગેશનને સ્પષ્ટપણે કહ્યું કે જે ભાવે તે બીજા દેશોને પોતાનું ઓઈલ વેચે છે તે જ ભાવે તે પાકિસ્તાનને વેચશે.

જો કે રશિયાએ સસ્તું ઓઈલ આપવાની પાકિસ્તાનની માંગણી પર વિચાર કરવાનું આશ્વાસન પણ આપ્યું. કહ્યું કે તે ડિપ્લોમેટિક રીતે આ અંગે તેને માહિતગાર કરશે. રશિયા તરફથી માંગણી ફગાવવામાં આવ્યા બાદ નિરાશ થયેલું ડેલિગેશન પાકિસ્તાન પરત ફર્યું.  અત્રે જણાવવાનું કે પાકિસ્તાન હાલ પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ચીજોના સતત વધી રહેલા ભાવથી પરેશાન છે. પાકિસ્તાની ડેલિગેશનને આશા હતી કે ભારતની જેમ તેને પણ ૪૦ ટકા છૂટ સાથે ઓઈલ મળે તો તેમની ડગુમગુ અર્થવ્યવસ્થાને કઈક મદદ મળશે. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ નહીં. બીજી બાજુ ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ મેળવીને મોંઘવારીનો બોજ ઘટાડવામાં સફળ રહ્યું છે એટલું જ નહીં રશિયાના ઓઈલથી વેક્યુમ ગેસોલીન બનાવીને તે અમેરિકા અને પશ્ચિમી દશોને નિકાસ કરી વિદેશી મુદ્રા પણ કમાઈ રહ્યું છે. ભારતની આ સ્માર્ટ રણનીતિથી પાકિસ્તાની નેતાઓની આંખો પહોળી થઈ ગઈ છે.

Share This Article