રશિયામાં આજે મોદી અને પુતિન વચ્ચે નિશ્ચિત એજન્ડા વગરની બેઠક

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વડા પ્રધાન નરેન્દ્ર મોદી  આજે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીનને મળશે. મોદીએ રશિયાના લોકોને શુભકામના પાઠવી હતી સાથે જણાવ્યું હતું કે હું સોચીમાં પુતીન સાથેની મુલાકાત માટે આવી રહ્યો છું. મોદી અને પુતીન વચ્ચે આશરે ચાર કલાક સુધી વિવિધ મુદ્દાઓને લઇને વાતચીત થશે. જોકે આ મુલાકાત એજન્ડા વગરની હશે. એટલે કે તેમાં કોઇ કરાર થવાની શક્યતાઓ નહીવત છે. હાલમાં જ મોદીએ આવી જ એક મુલાકાત ચીનની પણ લીધી હતી.

પુતીન અને મોદી વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓને લઇને ચર્ચા થશે. જેમાં બન્ને દેશોની આર્થિક સ્થિતિને કેવી રીતે સુધારવી તેને લઇને પણ ચર્ચા થશે. આ ઉપરાંત પરમાણુ સહિયોગને લઇને પણ ચર્ચા થઇ શકે છે. જોકે આ મુદ્દાઓને લઇને સત્તાવાર રીતે કોઇ જાહેરાત નથી કરવામાં આવી કેમ કે આ એક એજન્ડા વગરની મુલાકાત હશે. હાલ રશિયા અને અમેરિકાની વચ્ચે તકરાર વધી ગઇ છે.

કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરીઝ અંતર્ગત અમેરિકાએ રશિયા પર લગાવેલા પ્રતિબંધોની શું અસર થશે તેની પણ મોદી અને પુતીન વચ્ચે ચર્ચા થવાની શક્યતાઓ છે. રશિયા ભારતનો મિત્ર દેશ રહ્યો છે. અને ભારતને હથિયારો વેચતો રહ્યો છે. બન્ને દેશો વચ્ચે સંરક્ષણને લઇને કેટલાક કરારો પણ થયા છે.

આ સ્થિતિ વચ્ચે ત્રીજો કોઇ દેશ આ મામલે દખલગીરી ન આપે તેનું પણ ભારત ધ્યાન રાખશે. ઇન્ડો-રશિયા સિવિલ ન્યૂક્લિયર કોઓપરેશન મુદ્દે પણ ચર્ચા થવાની શક્યતાઓ વધુ છે. મોદી અને પુતીન વચ્ચે મોટા ભાગની વાતચીત સામસામે બેસીને થશે. એટલે કે ડેલિગેશન વચ્ચે વાતચીત બહુ નહીં થાય કેમ કે આ એજન્ડા વગરની મીટીંગ છે.

Share This Article