મુંબઈ: ડોલર સામે રૂપિયામાં આજે વધુ ઘટાડો રહ્યો હતો. કારોબારના અંતે રૂપિયો ૭૪.૩૯ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારના દિવસે રૂપિયો ૭૪.૦૬ની સપાટીએ રહ્યો હતો. શરૂઆતમાં મજબૂત તેજી રહ્યા બાદ ઝડપથી વેચવાલી જોવા મળી હતી. આની સાથે જ બપોરના ગાળામાં રેકોર્ડ નીચી સપાટી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક દિવસથી રૂપિયામાં અવમુલ્યનનો દોર જારી રહ્યો છે. એક વર્ષના ગાળામાં જ ડોલર સામે રૂપિયામાં ૧૬ ટકાથી વધુનો ઘટાડો થઇ ચુક્યો છે. રૂપિયો ૬૩.૨૪થી ઘટીને હવે ૨૦૧૮માં ૭૪.૩૯ સુધી પહોંચી ગયો છે. ટેકનિકલ ચાર્ટમાં ઉથલપાથલનો દોર યથાવત રહી શકે છે. વર્તમાન ખાતાકીય ખાધ અને ઉંચા પરિવહન ફ્યુઅલના પરિણામ સ્વરુપે સ્થિતિ વધુ વણસી છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર અને યુરોપમાં રાજકીય અંધાધૂંધીની અસર પણ જોવા મળી રહી છે. ડોલરની માંગ સતત વધી રહી છે જ્યારે રૂપિયામાં અવમુલ્યનનો દોર જારી છે. સરકાર પણ રૂપિયાની સ્થિતિને લઇને ચિંતાજનક સ્થિતિમાં દેખાઈ રહી છે. આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે છે.