ભારતમાં આર્થિક મોરચે ફરી એક વખત નિરાશાજનક ચિત્ર સપાટી પર આવ્યું છે. રૂપિયો ગગડીને ૧૬ મહિનાની નીચલી સપાટીએ આવી ગયો છે. તો બીજી તરફ એપ્રિલમાં મોંઘવારી વધી છે. આટલું ઓછું હોય તેમ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે.
ડોલરની ખરીદી વધતા અને ઇક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચાતા આજે રૂપિયો ૧૮ પૈસા તૂટીને ૬૭.૫૧ થયો હતો. જે ૧૬ મહિનાની નિમ્ન સપાટી દર્શાવે છે. રૂપિયાનું આ મૂલ્ય ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ પછીનું સૌથી ઓછું છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ રૂપિયો ૬૭.૮૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
કરન્સી વેપારીઓ આજે કર્ણાટક ચૂંટણીના પરિણામ અગાઉ ટ્રેડિંગથી દૂર રહ્યાં હતાં. ચાલુ વર્ષે ભારતીય કરન્સીના મૂલ્યમાં ૫.૬૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ ૭૭.૩૬ રૃપિયા થઇ ગયો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ દિવસમાં ભારતીય મૂડી બજારમાંથી ૧૨,૬૭૧ કરોડ રૃપિયા(બે અબજ ડોલર) પરત ખેંચી લેતા પણ રૃપિયો ગગડી રહ્યો છે. એપ્રિલમાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો વધીને ૪.૫૮ ટકા નોંધાયો છે. માર્ચ મહિનામાં આ ફુગાવો ૪.૨૮ ટકા હતો. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવો ૨.૯૯ ટકા હતો.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી ફુગાવામાં સતત ઘટાડો નોંધાયો હતો પણ એપ્રિલમાં ઘટવાનું વલણ અટકી ગયું છે. કઠોળ, માંસ, માછલી અને ફળોના ભાવ વધવાને કારણે એપ્રિલમાં ફુગાવો વધીને ૪.૫૮ ટકા થયો છે. બીજી તરફ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે ૧૭ અને ૨૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૭૪.૮૦ અને ડીઝલનો ભાવ ૬૬.૧૪ રૂપિયા થઇ ગયો છે.