અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન અર્ચન પૂજન સવારે ૯.૦૦ વાગ્યે કરશે. વિજયભાઈ રૂપાણી આજે સોમવારે બપોરે ૧.૩૦ કલાકે જસદણ અને વીંછીયા તાલુકામાં માર્ગ મકાન પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહર્ત કરવાના છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વીંછીયા તાલુકા સેવા સદનનો લોકાપર્ણ તેમજ હિંગોળગઢ અશ્વ ઉછેર કેન્દ્રનો પ્રારંભ પણ આ અવસરે કરાવવાના છે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજે રક્ષાબંધન પર્વે સમાજના વિવિધ વર્ગોની બહેનો માતાઓએ રાખડી બાંધી સુશાસનના આશિષ અને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ પણ માતૃશક્તિના આશીર્વાદથી ગુજરાતની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો-માતાઓનો રક્ષાબંધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું.
આ માતૃશક્તિના આશીર્વાદથી રાજ્યની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. રક્ષાબંધનના પર્વે આજે સવારથી જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને સમાજના વિવિધ વર્ગોની બહેનો, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ બહેનો, લઘુમતી સમાજની બહેનો સહિત વિશાળ સંખ્યામાં બહેનોએ ઉમંગ ભેર ઉપસ્થિત રહી વિજયભાઈને રાખડી બાંધી હતી.
મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે સાથે ભાવનગર હોર્સ રાઈડિંગ કલબની ઘોડેસ્વાર બહેનો, દિવ્યાંગ દીકરીઓ-બહેનો અને બાઈક સવાર ભગિની શક્તિએ પણ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. વિજયભાઈ રૂપાણી દિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવવા પોતે ખુરશીમાંથી ઉભા થઈ સ્ટેજ પરથી નીચે ઉતરીને આ બહેનો પાસે પહોંચ્યા અને સ્નેહપૂર્વક પોતાના હાથે આ બહેનો-દીકરીઓ પાસે રક્ષાબંધન કરાવ્યું હતું. અંજલિબહેન રૂપાણી પણ આ અવસરે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત હતા.