અમદાવાદ : આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર લોકસભામાં મહિયારી ખાતે આયોજિત એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણી ફક્ત બે પક્ષના ઉમેદવારો વચ્ચેની જ ચૂંટણી નથી પરંતુ વિકાસની સાથે સાથે દેશની સલામતી સુરક્ષા કોણ સુનિશ્ચિત કરી શકે તે નક્કી કરવાની ચૂંટણી છે. કોંગ્રેસના કુશાસનથી ઉભી થયેલી દેશની વર્ષોજૂની સમસ્યાઓનું નિરાકરણ કોણ લાવી શકશે તે નક્કી કરવાની ચૂંટણી છે.
આ વખતની ચૂંટણીમાં એક તરફ ઈમાનદારી – પ્રમાણિકતાથી ચોકીદાર બનીને દેશની જનતાના પૈસાની તિજોરીની રક્ષા કરવા, દેશની સુરક્ષા માટે, ભ્રષ્ટાચાર સામે, નક્સલવાદ, આતંકવાદ સામે દેશની ચોકીદારી કરતા નરેન્દ્ર મોદી છે, તો બીજી તરફ ચોર મચાયે શોરની માફક ચોરોની જમાત બેશરમ થઇને દેશના ચોકીદારને ચોર કહેવા નીકળી છે. આ ચોરોની જમાત ગાયના ઘાસમાંથી પૈસા ખાઈ ગયેલા લાલુ છે, બાંગ્લાદેશી ઘુસણખોરોને બંગાળમાં ઘુસાડી-ઘુસાડીને બંગાળને કંગાળ કરનાર મમતા બેનરજી છે, ભ્રષ્ટાચારની નદીઓ વહેવડાવી ઉત્તરપ્રદેશને બરબાદ કરનાર માયાવતી, અખિલેશ અને મુલાયમસિંહ છે. કોંગ્રેસના એક કુળે ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થઈને કૌભાંડો પર કૌભાંડો કરી આ દેશને ખોખલો કરી નાખવાનું કુકર્મ કર્યું છે. હવા, જમીન અને પાતાળ એમ ત્રણેય જગ્યાએ કોંગ્રેસીઓએ ભ્રષ્ટાચાર કરીને ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ડુબાડ્યું હતું. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટનું નામ લઈને દેશની પ્રજાને મૂર્ખ બનાવવા માટે નિવેદન આપતા હતા કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દેશના ચોકીદાર ચોર છે.
આ બાબતે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર આપતા નોટિસ ફટકારી કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ક્યારેય પણ ચોકીદાર ચોર છે, આવું નિવેદન આપ્યું નથી. જુઠ્ઠું બોલી બોલીને અપપ્રચાર કરવો એ જ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. એક તરફ દેશના હિતને સર્વોપરી માનનારા, જીવીશું તો દેશ માટે મરીશું તો દેશ માટેની ભાવના સાથે દેશ માટે કાર્ય કરનાર રાષ્ટ્રભક્તોની ટોળી છે અને બીજી તરફ જાણે દેશ માત્ર એક પરિવારની અંગત જાગીર હોય તેમ ગાંધી પરિવાર ને સર્વોપરી માનનારી કોંગ્રેસ છે. ભારતને પોતાની જાગીર સમજનાર કોંગ્રેસને ગરીબ ચા વેચનાર વ્યક્તિ દેશના પ્રધાનમંત્રી પદ પર બેઠો છે તે વાત પચતી નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને એનડીએના પ્રધાનમંત્રી પદના નેતા નરેન્દ્ર મોદી છે તે સ્પષ્ટ છે અને બીજી તરફ પ્રધાનમંત્રી પદ પર બેસવા માટે એકબીજાના ટાંટિયાખેંચનાર લોકો ભેગા થયા છે. શું આ લોકો દેશને સ્થિરતા આપશે? દેશમાં રાજકીય સ્થિરતા હોય તો જ દેશનો વિકાસ અને દેશની પ્રગતિ શક્ય છે. સ્થિરતા વગરની સરકારમા હંમેશા દેશ પાયમાંલ જ થાય છે.
કોમ – કોમ ને અથડાવી, જ્ઞાતિ – જ્ઞાતિને અથડાવી, ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવવી એ જ કોંગ્રેસની માનસિકતા છે. એક તરફ ત્રાસવાદનો ખાત્મો કરનારા લોકો છે તો બીજી તરફ ત્રાસવાદીઓને બિરીયાની ખવડાવનાર લોકો છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક જાણે કોંગ્રેસના પોતાના ઉપર થઈ હોય તે રીતે બેબાકળા બનીને કોંગ્રેસ પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપી રહી છે અને સેનાનું અપમાન કરી રહી છે. આતંકવાદીઓને જવાબ આપવા માટે જનતાનું દર્દ અને જનતાનો આક્રોશ મહેસુસ કરી શકે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિર્ણાયક નેતૃત્વ દેશ માટે આજે અતિઆવશ્યક છે.