દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામકંડોરણામાં સંબોધન કરવાના હતા, પણ સવારે જ જામકંડોરણા તરફના રસ્તાઓમાં માનવ મેદની ઊમટી પડી હતી. વડાપ્રધાન પહોંચે અને પોતાનું ભાષણ શરૂ કરે તે પહેલાં પણ સ્ટેજ અને આસપાસ ઘણી રસપ્રદ ઘટનાઓ આકાર લઇ રહી હતી અને વડાપ્રધાનના આગમન બાદ તેમાં ઉમેરો થયો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકલા સ્ટેજ પર આવ્યા હતા. ત્યારબાદ અન્ય અગ્રણીઓ પણ સ્ટેજ પર બેસી ગયા હતા. સી. આર. પાટીલ સ્ટેજ પર આવ્યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા હતા.
એકમાત્ર રૂપાણી તેમની જગ્યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્ય જોઇ બંને વચ્ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્યા તો તેમના અભિવાદન માટે પણ વિજય રૂપાણી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા હતા. પણ સી. આર. ડાયસ ઉપર ગયા કે તરત જ ચાલુ ભાષણે વડાપ્રધાને રૂપાણીને બોલાવીને તેમની સાથે થોડીકવાર ચર્ચા કરી હતી અને બંનેના ચહેરા પર સ્મિત હતું. તે જોઇને પણ લોકોને આશ્ચર્ય થયું હતું. આવી ઘણી બધી નાની-મોટી ઘટનાઓ બની હતી. જામકંડોરણા સુધી જવાના રસ્તાઓમાં ટ્રાફિક વ્યવસ્થા સુપેરે કામ કરી રહી હતી જ્યારે સભા સ્થળે હકડેઠઠ ભીડ હતી.
વડાપ્રધાન આવે ત્યાં સુધીમાં વિવિધ કલાકારોએ સ્ટેજ કાર્યક્રમ આપ્યા જેમાં લોકસાહિત્ય અને ભજનની જમાવટ હતી, વિઠ્ઠલ રાદડિયા અને મોદીને ઉદ્દેશીને લોકગીત ગવાયા. વડાપ્રધાન આવે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરા, પ્રભારી મંત્રી વાઘાણી, જિલ્લા પ્રમુખ ખાચરિયા, મંત્રી રૈયાણી, ધારાસભ્યો રાદડિયા, સાગઠિયા અને ગોવિંદ પટેલ તેમજ સાંસદ રમેશ ધડૂક, મોહન કુંડારિયા અને મોકરિયા પહોંચ્યા હતા. વડાપ્રધાન સભાના નિયત સમયે જ પહોંચી ગયા હતા અને હેલિપેડથી સ્ટેજ સુધી રોડ શોનું આયોજન કરાયું હતું પણ વડાપ્રધાન કારમાં જવાને બદલે ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમની સાથે સીએમ પણ જોડાયા હતા. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્ટેજ પર પહોંચ્યા અને તમામ સાથે ચર્ચા કરી હતી જોકે તેમાં વિજય રૂપાણી જોડાયા ન હતા. વડાપ્રધાનના સ્વાગત અને અભિવાદન માટે અલગ અલગ આગેવાનોના નામ બોલાયા હતા અને તમામ પીએમ પાસે આવતા હતા આ દરમિયાન વિજય રૂપાણીનું નામ પણ બોલાયું હતું જોકે તેઓ પીએમ પાસે જવાને બદલે પોતાની જગ્યાએ ઊભા રહીને બધા આગેવાનોની પાછળ ગોઠવાયા હતા. વડાપ્રધાને સ્ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને બાદમાં સી.આર. પાટીલે ભાષણ આપ્યું હતું અને બાદમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજય રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યા અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી અને બંને હસતા દેખાયા હતા. વડાપ્રધાન સંબોધન માટે આવ્યા હતા અને કાઠિયાવાડ, સૌરાષ્ટ્રને ઉદ્દેશી ખૂબ વખાણ કર્યા હતા જોકે તડકો અને ગરમી વધારે રહેતા તેમને પણ વારંવાર રૂમાલથી પરસેવો લૂછવો પડતો હતો. આ વખતે પણ મોબાઈલ ફોનમાં કવરેજ જામ થઈ ગયું હતું.