અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસ સામે આંખો બંધ કરી દેનાર આરટીઓને હવે સરકારે ફરજિયાત ડ્રાઇવ કરવાનો આદેશ આપતાં તંત્ર હવે દોડતું થયું છે. આજે સવારના ૬-૦૦ વાગ્યાથી ૫૨ જેટલા આરટીઓ કર્મચારીઓએ શીલજ, બોપલ, ગુરુકુળ અને થલતેજ વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરી હતી અને મોટી સંખ્યામાં સ્કૂલ વાન, બસ, રિક્ષાઓની ચકાસણી કરીને નિયમભંગ જણાતાં કસૂરવાર સ્કૂલ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આરટીઓ ડ્રાઇવને પગલે અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલવાહનચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. શહેરની જાણીતી સ્કૂલો એચ.બી.કાપડિયા-ગુરુકુળ, ઉદ્ગમ સ્કૂલ-થલતેજ, તુલિપ સ્કૂલ-બોપલ, આનંદનિકેતન સ્કૂલ-શીલજ સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ લાવતી-લઇ જતી સ્કૂલ બસ-રિક્ષા અને વાનનું ચેકિંગ હાથ ધરાયું હતું.
આજે સવારથી જ આરટીઓની ચાર ટીમ અને પ૦થી વધુ ઇન્સ્પેકટરોએ સ્કૂલ વિસ્તારથી ર૦૦ મીટરથી શરૂ કરીને બે કિલોમીટર સુધી સ્કૂલમાં આવતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું અને વાહનોની ફિટનેસ બાબતે સપાટો બોલાવ્યો હતો, જેમાં ટ્રાફિકના નિયમભંગ બદલ ૮૦થી વધુની સંખ્યામાં વાહનો ઝડપાયાં હતાં, તેમાં સ્કૂલ વાન, બસ અને ઓટોરિક્ષા સહિતનો સમાવેશ થાય છે. આ અંગે આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું કે અમદાવાદ આરટીઓ સમયાંતરે આ ઝુંબેશ ચાલુ રાખશે અને આરટીઓની કાર્યવાહી ચાલુ જ રહેશે. આજે વહેલી સવારથી જ આરટીઓની ટીમ ફિલ્ડમાં ઊતરી હતી. અમદાવાદ શહેરમાં સ્કૂલવર્ધી માટે અંદાજે ૭૦,૦૦૦ સ્કૂલ રિક્ષા અને ૬૦,૦૦૦ સ્કૂલ વાન દોડે છે.
સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલવર્ધી વાન માટે બનાવેલા નિયમો જાણે ઘોળીને પીવાઇ ગયા છે. બેફામ વાહન ચલાવતા સ્કૂલ બસના ચાલકોને બાળકોના ભવિષ્યની ચિંતા હોતી નથી. શાળા દ્વારા ચાલતી સ્કૂલ બસ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતી નથી. શહેરમાં રોજનાં ૩.પ૦ લાખથી વધુ બાળકો સ્કૂલ વાન બે સ્કૂલ રિક્ષામાં શાળાએ જાય છે. આજે ઝડપાયેલી મોટા ભાગની સ્કૂલવર્ધી વાનમાં કોમર્શિયલ રજિસ્ટ્રેશન, સ્પીડ મીટર, એલપીજી, સીએનજીનું રજિસ્ટ્રેશન, કોમર્શિયલ વીમો, સ્કૂલ વાન તરીકેનું રજિસ્ટ્રેશન નહીં હોવું, ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ વાહનમાં બેસાડવા, વાન કે રિક્ષા પર સ્કૂલ વાહન નહીં લખવું, સીએનજી કે એલપીજી ગેસના સિલિન્ડર પર સીટ લગાવીને બાળકોને બેસાડવાં, વાહનની વિન્ડોમાં જાળી નહીં મૂકવી, સીટ બેલ્ટ નહીં બાંધવો સહિતનાં અસંખ્ય કારણો અને નિયમભંગ બદલ ઝુંબેશ દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો છે. મોટા ભાગનાં વાહનો પાસેથી સ્થળ ઉપર જ દંડ-ટેકસ વસૂલવામાં આવ્યો છે. આરટીઓ તંત્રની આ ત્રીજી ડ્રાઇવ છે. આગામી દિવસોમાં પણ સ્કૂલ વાહનો વિરૂધ્ધની આરટીઓની ડ્રાઇવ ચાલુ રહેશે.