અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં તા.૫ એપ્રિલથી રાઈટ ટુ એજ્યુકેશન(આરટીઈ) એક્ટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાની કાર્યવાહી શરૂ થઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા સોમવારના રોજ વિગતવાર કાર્યક્રમ જાહેર કરાશે. તેવી જાહેરાત કરી હતી પરંતુ હજુ આજે પણ આરટીની વેબસાઈટ આરટીઇગુજરાત.ઓઆરજી ઉપર તેની વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી. બીજીબાજુ, ઓનલાઇન રજિસ્ટ્રેશન પહેલાં વાલીઓએ વિદ્યાર્થીના પ્રવેશ માટે તમામ ડોકયુમેન્ટ્સ સહિતની તૈયારી કરી રાખવા પણ સત્તાધીશોએ તાકીદ કરી છે. આરટીઇ એડમિશનની કામગીરી માટે શહેરના તમામ વિસ્તારોને આવરી લેતા ૪૧ રિસિવિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે કે જેથી પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે અને વાલીઓને નજીકના સ્થળે ડોક્યુમેન્ટસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં પણ અનુકૂળતા રહે.
આ વર્ષે આરટીઈની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં શિક્ષણ વિભાગે ખૂબ જ મોડું કર્યું છે. મોટાભાગે ફેબ્રુઆરી માસમાં પ્રવેશની કામગીરી થતી હોય છે. પરંતુ આ વર્ષે બે મહિના મોડી ૫ાંચમી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ માટેનો સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરાયો નથી. એપ્રિલ માસમાં પ્રવેશ કાર્યવાહી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થવાથી પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થશે ત્યાં સુધીમાં સ્કૂલ શરૂ થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની સ્કૂલ તો ૪ એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે તા.૫ એપ્રિલથી પ્રવેશ માટે હજુ ફોર્મ ભરાવવાની હોઈ આ સ્કૂલોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો શરૂઆતનો અભ્યાસ બગડશે. વાલીઓ ૬ કિ.મી.ની ત્રિજ્યામાં આવેલી ગમે તેટલી સ્કૂલની ચોઈસ ભરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્કૂલનું એક્ઝેટ લોકેશન આવશે.
આ વખતે સમગ્ર રાજ્યમાં રિસિવિંગ સેન્ટરની સંખ્યા વધારી ૫૩૬ કરવામાં આવી છે. વાલીઓ ૫ાંચમીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પહેલા વાલીઓને ડોક્યુમેન્ટ એકત્ર કરવાનો પૂરતો સમય મળી રહેશે. ત્યાર બાદ રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેની પ્રિન્ટ લઈને રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની રહેશે. શહેરના રિસિવિંગ સેન્ટરમાં દીવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા, પાલડી. ઉન્નતિ વિદ્યાલય નવરંગ પ્રાથમિક શાળા, નવરંગ છ રસ્તા, નેશનલ હાઇસ્કૂલ સોલારોડ, નારણપુરા. અમદાવાદ નવરંગ પ્રાથમિક શાળા નવરંગ છ રસ્તા, મંગલ વિદ્યાલય મીઠાખળી ગામ. અમદાવાદ ઉદ્ભવ વિદ્યામંદિર. બાપુનગર. બાપુનગર પોલીસ સ્ટેશનની પાછળ, નવા બાપુનગર, રખિયાલ મ્યુ. ઉર્દૂ મા.શાળા રખિયાલ ચાર રસ્તા પાસે, રખિયાલ. શાંતિનિકેતન હાઈસ્કૂલ અમરાઈવાડી. પોસ્ટ ઓફિસ પાસે, અમરાઈવાડી. અમદાવાદ વિશ્વભારતી બાલ વિદ્યાલય બહાઈ સેન્ટર, શાહપુર. આઈ.પી.મિશન પ્રા.શાળા રાયખડ. આર.સી સરકારી સ્કૂલ દિલ્હી ચકલાનો સમાવેશ થયો છે.