અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાઇટ ટુ એજયુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ધોરણ-૧માં પ્રવેશની કામગીરીનાં આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં કોઈ ઠેકાણાં નથી, જેને લઇ ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના વાલીઓમાં ચિંતા વ્યાપી ગઇ છે. દર વર્ષે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજય સરકાર સહિત શિક્ષણ સત્તાવાળાઓને ઉદ્દેશીને આરટીઇ હેઠળના પ્રવેશ માટે કરાતા મહત્વના આદેશો છતાં સરકારી તંત્ર દ્વારા પ્રવેશ કાર્યવાહીને લઇ કોઇ ગંભીરતા દાખવાઇ હોય તેવું જણાતું નથી. ગત વર્ષની આરટીઇ હેઠળની પ્રવેશ કાર્યવાહી તા.૧૬ ફેબ્રુઆરીથી શરૂ કરાઈ હતી, જયારે આ વર્ષે માર્ચ વીતવા આવ્યો છતાં હજુ સુધી આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના ઠેકાણાં પડયા નથી. એક તરફ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીઓને મોડાં એડમિશન આપવામાં આવે તો વિદ્યાર્થીઓને એક સત્રનું ભણતર ગુમાવવું પડે અને પાયો કાચો રહી જાય તેવું કહી પ્રવેશ અપાતો નથી તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આરટીઇ અંતર્ગત જૂનથી તમામ બાળકોને સમયસર પ્રવેશ મળી જાય એવું આયોજન ઘડાતું નથી ત્યારે આ બે વચ્ચે આરટીઇમાં પ્રવેશ લાયક વિદ્યાર્થીઓની હાલત સેન્ડવિચ જેવી થાય છે.
ગત વર્ષે જ રાજ્યમાં ૩૩,૮૮૩ વિદ્યાર્થીઓ ધો.૧માં પ્રવેશથી વંચિત રહી ગયા હતા જ્યારે રાજ્યની શાળાઓમાં ૩૩,૮૩૮ બેઠકો ખાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લઘુમતી શાળાઓ આરટીઈ પ્રવેશ મુદ્દે કોર્ટમાં ગઈ છે. સાથે સાથે બાળકોને શાળામાં પ્રવેશ માટે પાંચ વર્ષ અને છ વર્ષની મર્યાદા અંગેનો કેસ પણ કોર્ટમાં છે. આ વર્ષે માર્ચ માસનો મધ્ય ભાગ વીતી ગયો છે, છતાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધો.૧માં પ્રવેશની પ્રક્રિયાનો આરંભ પણ થયો નથી. ગત વર્ષે ફેબ્રુઆરીના આરંભમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી પણ બાદમાં છ માસ વીત્યા છતાં પૂર્ણ થઇ ન હતી. આ વર્ષે તો જૂન-ર૦૧૯થી શરૂ થનારા સત્રમાં સમયસર પ્રવેશ મળે તેવી આશા લાગતી નથી.
આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં પોર્ટલ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. આરટીઈ પ્રવેશ અંગે જાહેરાત કરવામાં આવશે. ગત વર્ષે પ્રવેશના ત્રણ-ત્રણ રાઉન્ડ યોજ્યા છતાં ગુજરાતમાં ૩૩,૮૮૩ વિદ્યાર્થીઓ ધો.૧માં પ્રવેશ વંચિત રહી ગયા હતા અમદાવાદ શહેર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગનાં બાળકો માટે ૨૫ ટકા અનામત બેઠકો પર ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ સામાન્ય રીતે ફેબ્રુઆરીથી થઈ જાય છે. ગત વર્ષે અમદાવાદ શહેરમાં ૧૯ હજાર જેટલાં બાળકોને આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવાનો ટાર્ગેટ રખાયો હતો.