નવી દિલ્હી: મૂળભૂત માળખાકીય ક્ષેત્ર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) સાથે જોડાયેલી ૩૪૩ યોજનાઓના ખર્ચમાં વિલંબ અને અન્ય કારણોસર ૨.૨૩ લાખ કરોડ રૂપિયાનો અભૂતપૂર્વ વધારો થઇ રહ્યો છે. આ તમામ યોજનાઓ ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુ રકમની રહેલી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુ રૂપિયાની યોજના પર નજર રાખનાર મંત્રાલય દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. મંત્રાલય તરફથી એપ્રિલ ૨૦૧૮માં નવેસરના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૩૩૨ યોજનાઓના અમલીકરણ પર ખર્ચ ૧૬૨૬૬૭૫.૫૨ કરોડ રૂપિયા હતો.
હવે આ યોજનાઓને પૂર્ણ કરવા પર ખર્ચ ૧૮૪૯૭૬૬.૯૧ કરોડ રૂપિયા થઇ જશે. આવી જ રીતે યોજનાઓના ખર્ચમાં ૨૨૩૦૯૧.૩૯ કરોડ રૂપિયા અથવા તો મૂળખર્ચથી ૧૩.૭૧ ટકા વધુ રકમ થઇ ગઇ છે. આ ૧૩૩૨ યોજનાઓમાં ૩૪૩ યોજનાઓના ખર્ચમાં વધારો થયો છે જ્યારે ૨૫૩ યોજનાઓ એવી છે જેના અમલીકરણના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એપ્રિલ ૨૦૧૮ સુધી આ યોજનાઓ ઉપર કુલ ૬૬૩૧૦૯.૭૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ યોજનાઓ ઉપર અંદાજિત કુલ ખર્ચ ૩૫.૮૫ ટકા બેસે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જા યોજનાઓને પૂર્ણ કરવાની સમય અવધિને ધ્યાનમાં લેવામાં આવે તો મોડેથી ચાલનાર યોજનાઓની સંખ્યા ઘટીને ૧૮૭ થઇ જશે. આશરે ૬૩૪ યોજનાઓને ચાલુ થવાના સમયના સંદર્ભમાં રિપોર્ટમાં કોઇ માહિતી આપવામાં આવી નથી. ૨૫૩ વિલંબથી ચાલતી યોજનાઓમાંથી ૫૯માં એકથી ૧૨ મહિના, ૪૮માં ૧૩થી ૨૪ મહિના, ૭૬માં ૨૫થી ૬૦ મહિના અને ૭૧માં ૬૧ મહિના અથવા તો તેનાથી વધુનો વિલંબ થયો છે. આ સંદર્ભમાં આંકડા મહત્વપૂર્ણ છે. યોજનાઓના વિલંબ માટેના અનેક કારણો છે જેમાં ભૂમિ અધિગ્રહણ, વન્ય વિભાગની મંજુરી, પુરવઠાના અભાવ, ફંડની કમી, નક્સલીઓની ઘુસણખોરી અને કાયદાકીય બાબતો રહેલી છે.