અમદાવાદ:ભારતીય શાસ્ત્રીય સંગીત અને કથક નૃત્યની સમૃદ્ધ ધરોહરને જાળવી રાખવા અને યુવા પેઢીને આ કલાઓ સાથે જોડવાના હેતુસર પંડિત અતુલ – સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ “રૂટ્સ ટુ રાઉટ્સ” (Roots to Routes) નું આયોજન કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશનની સ્થાપના સન 2014માં સુશ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સ્મૃતિમાં કરવામાં આવી હતી. પંડિત અતુલ દેસાઈ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય રહ્યા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને કથક નૃત્યના સંગીત સંયોજન દ્વારા વિશિષ્ટ ઓળખ ઊભી કરી હતી. તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ફાઉન્ડેશનની સ્થાપક સુશ્રી સંધ્યા દેસાઈએ પદ્મવિભૂષણથી સન્માનિત પ્રખ્યાત કથક નૃત્યાંગના શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી તાલીમ મેળવી હતી. ચાર દાયકાથી વધુ સમય સુધી દેશ-વિદેશમાં કથક નૃત્યની અનેક પ્રસ્તુતિઓ દ્વારા તેમણે વિશાળ લોકપ્રિયતા મેળવી હતી. તેઓ પ્રખ્યાત કદંબ સ્કૂલ ઓફ ડાન્સ ની અગ્રગણ્ય શિક્ષિકા અને જાણીતા કથક ગુરુ રહ્યા હતા. કથક નૃત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સન 1997માં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉત્તર અમેરિકામાં પ્રથમ કથક ઉત્સવની શરૂઆત કરવાનો માન પણ તેમને પ્રાપ્ત છે.
ફાઉન્ડેશનના મુખ્ય હેતુઓમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને સંરક્ષિત કરવી, વર્તમાન યુવા પેઢીમાં શાસ્ત્રીય કલાઓ પ્રત્યે જાગૃતિ લાવવી, ઉગતા કલાકારોને સ્પર્ધાત્મક મંચ, પુરસ્કાર અને શિષ્યવૃત્તિ આપવી તેમજ નિષ્ણાત કલાકારો દ્વારા શાસ્ત્રીય કંઠ્ય સંગીત, તાલ-વાદ્ય અને કથક નૃત્યની પદ્ધતિસર સમજ આપવી શામેલ છે. છેલ્લા બાર વર્ષથી ફાઉન્ડેશન આ દિશામાં સતત કાર્યરત છે. આ વર્ષે આયોજિત “રૂટ્સ ટુ રાઉટ્સ” કાર્યક્રમ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત અને કથક નૃત્યની વેદિક કાળથી વિકસેલી પરંપરા, પંડિતો અને ઉસ્તાદોની સાધના, તેમજ આધુનિક સમય સુધીની તેની કલાયાત્રાની સમજ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને આ કલાઓને સમજવા, શીખવા અને તેની સાથે વધુ સક્રિય રીતે જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે.
કાર્યક્રમની રૂપરેખા
કાર્યક્રમના પ્રથમ દિવસે, શનિવાર, 31 જાન્યુઆરી 2026ના રોજ (પંડિત અતુલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે) સાંજે 5.30 થી 8.30 કલાક દરમિયાન અમદાવાદ સ્થિત એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર તથા ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર અને સંશોધક ડૉ. વિરાજ અમર દ્વારા શાસ્ત્રીય કંઠ્ય ગાયનની પ્રસ્તુતિ તથા ત્યારબાદ સંગીત વિષયક સંવાદમય પરિચર્ચા યોજાશે. આ સત્ર ખાસ કરીને યુવા શ્રોતાઓને શાસ્ત્રીય સંગીતની ઊંડી સમજ મળે તે હેતુથી આયોજિત છે.
કાર્યક્રમના બીજા દિવસે, રવિવાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 5.30 થી 7.30 કલાક દરમિયાન થલતેજ ટેકરા સ્થિત નહેરુ ફાઉન્ડેશન ખાતે પ્રસિદ્ધ કથક નૃત્યાંગના તથા સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર સુશ્રી વૈશાલી ત્રિવેદી અને તેમના શિષ્યો દ્વારા કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આમાંની કેટલીક સંગીત રચનાઓ પંડિત અતુલ દેસાઈ દ્વારા સ્વર અને તાલબદ્ધ કરવામાં આવેલી છે. સુશ્રી વૈશાલી ત્રિવેદી દ્વારા આ રચનાઓનું ગાયન પણ રજૂ કરવામાં આવશે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે બંને દિવસના કાર્યક્રમો અમદાવાદની સાંસ્કૃતિક ગૌરવ સમાન સંસ્થાઓમાં યોજાશે — પ્રથમ દિવસે વિશ્વવિખ્યાત સ્થપતિ શ્રી બી.વી. દોશી દ્વારા નિર્મિત એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ખાતે અને બીજા દિવસે વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત નહેરુ ફાઉન્ડેશન ખાતે. આ બંને દિવસના કાર્યક્રમો સર્વજન માટે નિઃશુલ્ક પ્રવેશ સાથે યોજવામાં આવ્યા છે, જેથી અમદાવાદની સંગીત અને નૃત્યપ્રેમી જનતા વધુમાં વધુ સંખ્યામાં આ અનોખી કલાયાત્રાનો લાભ લઈ શકે.
