મુંબઈ : આ દિવસોમાં ભારતીય ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25 ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે. આ પછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી20 અને ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. હવે આ વનજે સીરીઝને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રોહિત-વિરાટ સિવાય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ પણ વનડે સીરીઝનો ભાગ નહીં હોય. એટલે કે આ સીરીઝમાંથી સીનિયરો બહાર થયા છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 પહેલા ઈંગ્લેન્ડ સામેની સીરીઝ ભારત માટે છેલ્લી વનડે સીરીઝ હશે, જેમાં ખેલાડીઓને વનડે ફોર્મેટની પ્રેક્ટિસ કરવાની તક મળશે. ઈંગ્લેન્ડ સામે સફેદ બોલની સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં પ્રથમ 5 મેચની ટી20 સીરીઝ રમાશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી વનડે સીરીઝ શરૂ થશે. તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો છે, તેથી બંને માત્ર વનડેમાં જ રમતા જોવા મળી શકે છે,
પરંતુ હવે તેના પર પણ સંકટ આવી ગયું છે. સ્પૉર્ટ્સ ટાક પર પ્રકાશિત અહેવાલમાં, એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની ત્રિપુટી વર્કલૉડ મેનેજમેન્ટને કારણે ઈંગ્લેન્ડ સામેની વનડે સીરીઝનો ભાગ નહીં હોય. આ સિવાય બુમરાહ વર્કલૉડ મેનેજમેન્ટને કારણે ટી20 સીરીઝમાં પણ ટીમનો ભાગ નહીં હોય. જો કે, રોહિત, વિરાટ અને બુમરાહ વિશે સત્તાવાર અપડેટ્સ આવવાના બાકી છે. ચેમ્પિયન્સ ટ્રૉફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. બીજીતરફ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ચેમ્પિયન્સ ટ્રૉફી હાઇબ્રિડ મૉડલ હેઠળ યોજાશે. પાકિસ્તાન ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાશે. જો ભારતીય ટીમ ટૂર્નામેન્ટના નૉકઆઉટમાં પહોંચશે તો સેમી ફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે.