નવી દિલ્હી : વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડની સામે આઘાતજનકરીતે હારી ગયા બાદ આની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટેસ્ટ અને વનડે ટીમમાં જુદા જુદા કેપ્ટન રાખવાની હિલચાલ શરૂ થઈ છે. ટૂંક સમયમાં આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. ટીમમાં ધરખમ ફેરફારના ભણકારા વાગી રહ્યા છે. રોહિત શર્માને વનડે ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જ્યારે ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી પણ રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રાખવામાં આવી શકે છે. કોહલી અને રોહિત શર્મા પર ટીમ વધારે આધારિત થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં કિક્રેટ બોર્ડ જવાબદારી બદલી શકે છે. વર્લ્ડ કપ બાદ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ખેંચતાણ હોવાના અહેવાલ સપાટી પર આવી રહ્યા છે. જોકે, આ અહેવાલને રદિયો મળી ચુક્યો છે. વહીવટી કારોની સમિતિના પ્રમુખ વિનોદ રાયની ઉપસ્થિતિમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય પસંદીકાર એમએસકે પ્રસાદની બેઠક થશે જેમાં જુદા જુદા પાસાઓ પર ચર્ચા થશે. કોહલી ટેસ્ટના કેપ્ટન રહેશે. સમીક્ષા પછી ટીમમાં અન્ય પણ મોટા ફેરફાર થઈ શકે છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટીમને સારી બનાવવા માટે ખૂબ ઝડપથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, આ યોગ્ય સમય છે કે, રોહિત શર્મા ૫૦ ઓવર ફોર્મેટની કેપ્ટનશીપ સંભાળી લે અને તે માટે માનસીક રીતે તૈયાર થઈ જાય. તે માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે સમર્થન પણ જાહેર કર્યું છે.
તેમણે હાલના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે વિવાદ હોવાની વાત નકારી દીધી છે. તેમણે કહ્યું, હવે જૂની વાતો વિશે વાત કરવાનો સમય નથી પરંતુ આગળની તૈયારીઓ કરવાનો સમય છે. આ જ સમય છે કે, આપણે હવે આગળના વર્લ્ડકપની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નવી રીતે ટીમ તૈયાર કરવા વિશે વિચાર કરવામાં આવશે અને નવી યોજનાઓ બનાવવામાં આવશે. અમે જાણીએ છીએ કે, ટીમમાં ફેરફાર કરવાની જરૂર છે અને અમુક વિસ્તારમાં પરિવર્તન લાવવાની જરૂર છે. રોહિત તે માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે. અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઈના સીઓએ પ્રમુખ વિનોદ રાય પણ કહી ચૂક્યા છે કે, ટૂંક સમયમાં જ એક સમીક્ષા બેઠક કરવામાં આવી છે.
આ બેઠકમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ હાજર રહેશે. ઈંગ્લેન્ડમાં માનચેસ્ટરના ઓલ્ટ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમવામાં આવેલી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલા ૨૪૦ના ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૨૧માં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોપ ઓર્ડર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી માત્ર ૧-૧ રન કરીને આઉટ થઈ ગયા હતા. મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ૫૦ રન અને રવિન્દ્ર જાડેજાએ ૭૭ રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં હાલમાં જ ભારતની હાર થઈ હતી.