નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલીનો દોર હજુ વધી શકે છે. કારણ કે પુછપરછ માટે ૧૩મી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ ઉપસ્થિત થયેલા રોબર્ટ વાઢેરાના નજીકના સાથી અને દુબઇના કારોબારી સીસી થંપીએ કેટલીક ચોંકાવનારી કબુલાત કરી છે. થંપીએ કહ્યુ છે કે યુપીએના ચેરમેન સોનિયા ગાંધીના અંગત સહ કર્મચારી પીપી માધવન મારફતે તેમની મુલાકાત વાઢેરા સાથે થઇ હતી. રોબર્ટ વાઢેરાની પણ પુછપરછ કરવામાં આવી ચુકી છે.
મની લોન્ડરિંગ કેસમાં વાઢેરાની અનેક વખત પુછપરછ કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરાના પતિની દુબઇમાં વિલા અને લંડનમાં બેનામી સંપત્તિની ખરીદી મામલે પુછપરછ કરવામાં આવી રહી છે. વાઢેરા પર બેનામી સંપત્તિ મારફતે દુબઇના જુમેરાહ વિસ્તારમાં ૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે વિલા અને લંડનમાં બ્રેસ્ટન સ્કવાયર વિસ્તારમાં ૨૬ કરોડ રૂપિયાની કિંમતે ફલેટની ખરીદી કરવાનો આરોપ છે. સીસી થમ્પી પર મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિ ખરીદી કરવામાં વાઢેરાની મદદ કરવાનો આરોપ છે.
થંપી પર વાઢેરાની સ્કાયલાઇટ હોસ્પિટલિટી કંપની માટે શેલ કંપની મારફતે સંપત્તિની ખરીદી કરવાનો આરોપ છે. વાઢેરાની દુબઇ અને લંડનની પ્રોપર્ટીને ઇડી દ્વારા રોબર્ટ વાઢેરાની સંપત્તિ તરીકે ગણે છે. રોબર્ટ વાઢેરા અને થંપીના નિવેદનમાં ભારે વિરોધાભાસની સ્થિતી દેખાઇ રહી છે. ઇડી દ્વારા વાઢેરાને કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની માંગ કરી છે. તપાસ ટીમને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. આગામી દિવસોમાં સ્થિતી કોંગ્રેસ માટે વધારે પડકારરૂપ બની શકે છે. વાઢેરાની દુબઇ અને લંડનમાં સંપત્તિ અંગે આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં ઇડીની પુછપરછમાં ખુલાસો થયો હતો.