નવીદિલ્હી : મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાઢેરાના પતિ રોબર્ટ વાઢેરાની આજે ઇડી દ્વારા આશરે દોઢ કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી. વાઢેરાની સાથે તેમના પત્નિ પ્રિયંકા વાઢેરા પણ ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા. જો કે, તેઓ ગેટથી જ પરત ફર્યા હતા. ઇડીની ટીમે વાઢેરાને ઘણા બધા પ્રશ્નો કર્યા હતા. શનિવારના દિવસે દિલ્હીની કોર્ટે વાઢેરાની જામીન અરજીને ફગાવી દીધા બાદ મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડ ઉપર ૧૬મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો હતો. જા કે, કોર્ટે તપાસમાં સહકાર કરવા વાઢેરાને આદેશ કર્યો હતો.
ઇડીને આજની તારીખે પુછપરછ કરવાની પણ મંજુરી આપવામાં આવી હતી. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા વિદેશમાં ગેરકાયદે સંપત્તિ રાખવાના સંબંધમાં મની લોન્ડરિંગ સાથે જાડાયેલા મામલામાં આજે ઇડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. પ્રિયંકા વાઢેરા પણ તેમની સાથે સફેદ ટોયટો લેન્ડક્રુઝર ગાડીમાં તેમની સાથે આવ્યા હતા. તેમની પાછળ એસપીજીના સુરક્ષા કર્મીઓ રહ્યા હતા. વાઢેરાને મધ્ય દિલ્હીના જામનગર હાઉસ સ્થિત એજન્સીની સમક્ષ છોડવામાં આવ્યા હતા ત્યાંથી તેઓ પોતાની ગાડીના કાફલા સાથે રવાના થયા હતા. વાઢેરા ૩.૪૭ વાગે ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા.
તેમના વકીલોની ટીમ પહેલાથી જ પહોંચી ગઈ હતી. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધીના બનેવી વાઢેરા શંકાસ્પદ લેવડદેવડના અપરાધિક આરોપના સંબંધમાં કોઇ તપાસ સંસ્થાની સમક્ષ ઉપસ્થિત થયા છે. વાઢેરાએ પહેલા એવા આક્ષેપોને રદિયો આપ્યો હતો કે, તેમની કોઇપણ પ્રકારની ગેરકાયદે સંડોવણી નથી. રાજકીય બદલા લેવાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીની કોર્ટે વાઢેરાને કેન્દ્રીય તપાસ સંસ્થા સાથે સહકાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. વાઢેરાએ મામલામાં જામીન માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. કોર્ટે વિદેશથી પરત ફર્યા બાદ ઇડી સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું હતું. ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર ૬૫૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦ ૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાઢેરાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું.
ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગનો આ મામલો લંડન સ્થિત એક પ્રોપર્ટી સાથે જાડાયેલા છે. વાઢેરાના નજીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે. ઇડીનો દાવો છે કે, આ સંપત્તિના અસલી માલિક રોબર્ટ વાઢેરા છે. કોર્ટમાં ઇડીએ એમ પણ કહ્યું છે કે, વાઢેરા અને તેમના સાથીઓને વર્ષ ૨૦૦૯માં થયેલી પેટ્રોલિયમ સોદાબાજીમાં પણ નાણા મળ્યા હતા. મની લોન્ડરિંગ કેસના કારણે એકબાજુ રોબર્ટ વાઢેરાને કાયદાકીય દુવિધાઓનો સામનો કરવો પડશે. બીજી બાજુ લોકસભા ચૂંટણી નજીક હોવાથી કોંગ્રેસને પણ ટિકા ટિપ્પણીનો સામનો કરવો પડશે. તેમના પત્નિ પ્રિયંકા વાઢેરાને હાલમાં જ ઉત્તરપ્રદેશમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં આ હિલચાલ કોંગ્રેસ માટે મુશ્કેલીરુપ સાબિત થઇ શકે છે. પ્રચાર વેળા ભાજપના નેતાઓ આ મુદ્દાને જોરદારરીતે ચગાવે તેમ માનવામાં આવે છે. ગેરકાયદે સંપત્તિના મામલામાં કોંગ્રેસના અનેક નેતાઓ જામીન ઉપર હોવાના અહેવાલ પહેલાથી જ આવી ચુક્યા છે. કોંગ્રેસ તરફથી અનેક વરિષ્ઠ નેતાઓ હાલ જામીન ઉપર હોવાનો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર કરતા રહ્યા છે.