નવી દિલ્હી : કોંગ્રેસના બે મોટા નેતાઓના સંબંધી આજે એન્ફોર્સમેન્ટ એજન્સીની ઓફિસમાં પુછપરછ માટે ઉપસ્થિત થયા હતા. એકબાજુ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાઢેરા સતત બીજા દિવસે ઇડીની ઓફિસમાં હાજર થયા હતા. બીજી બાજુ પૂર્વ નાણાં પ્રધાન પી. ચિમમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ પુછપરછ માટે ઉપસ્થિત થયા હતા. રોબર્ટ વાઢેરાની મની લોન્ડરિંગના એક મામલામાં આજે બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી હતી. ગઇકાલે તેમની છ કલાકથી વધારે સમય સુધી પુછપરછ કરવામાં આવી હતી.
બીજા રાઉન્ડમાં તેમની પુછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ આઇએનએક્સ મામલામાં ઇડી સમક્ષ હાજર થયા છે. ગઇકાલે છ કલાક સુધી વાઢેરાની આકરી પુછપરછ કરવામાં આવી હતી. સુત્રોએ કહ્યુ છે કે રોબર્ટ વાઢેરાની પાસેથી ઇડીએ તેમની લંડનની પ્રોપર્ટી અંગેની વિગત માંગી છે. સાથે સાથે સંજય ભંડારી નામના કારોબારી સાથે તેમના સંબંધની વિગત પણ માંગવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી વાઢેરાને લઇને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર ૬૫૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦ ૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાઢેરાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું.
ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગનો આ મામલો લંડન સ્થિત એક પ્રોપર્ટી સાથે જાડાયેલા છે. વાઢેરાના નજીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે. મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાઢેરાના પતિ રોબર્ટ વાઢેરાની ગઇકાલે ઇડી દ્વારા આશરે છ કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી.ગયા શનિવારના દિવસે દિલ્હીની કોર્ટે વાઢેરાની જામીન અરજીને ફગાવી દીધા બાદ મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડ ઉપર ૧૬મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો હતો.
જો કે, કોર્ટે તપાસમાં સહકાર કરવા વાઢેરાને આદેશ કર્યો હતો. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા વિદેશમાં ગેરકાયદે સંપત્તિ રાખવાના સંબંધમાં મની લોન્ડરિંગ સાથે જાડાયેલા મામલામાં ઇડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધીના બનેવી વાઢેરા શંકાસ્પદ લેવડદેવડના અપરાધિક આરોપના સંબંધમાં કોઇ તપાસ સંસ્થાની સમક્ષ ઉપસ્થિત થયા છે. વાઢેરાએ પહેલા એવા આક્ષેપોને રદિયો આપ્યો હતો કે, તેમની કોઇપણ પ્રકારની ગેરકાયદે સંડોવણી નથી. રાજકીય બદલા લેવાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.રોબર્ટ વાઢેરાની પુછપરછની વિગત હજુ સપાટી પર આવી નથી.