અમદાવાદ : શહેરમાં તસ્કરો એ હદે બેફામ થઇ ગયા છે કે પોલીસના ખોફ વગર કોઇ પણ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગઇકાલે મોડી રાતે તસ્કરોએ પોશ વિસ્તાર ગણાતા એવા પ્રહલાદનગર રોડ પર આનંદનગર નજીક આવેલ રિવેરા આર્કેડમાં એકસાથે ચાર દુકાનોનાં તાળાં તોડીને ૧.૬૦ લાખની ચોરીની ઘટનાને અંજામ આપતાં ચકચાર મચી ગઇ છે. પોશ વિસ્તારમાં પણ તસ્કરો હવે હાથ સાફ કરતાં ડરતા નથી તે વાતને લઇ સ્થાનિક લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે, તો, પોલીસની ભૂમિકાને લઇ હવે સવાલો ઉઠયા છે.
ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ શ્યામહિલ ફ્લેટમાં રહેતા અને આનંદનગર રોડ પર આવેલા રિવેરા આર્કેડની એક દુકાનમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જગદીશભાઇ ગુપ્તાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. રિવેરા આર્કેડમાં આવેલી સીપી ફિટિંગ અને ટાઇલ્સની દુકાનમાં જગદીશભાઇ નોકરી કરે છે. ગુરુવારે રાત્રે જગદીશભાઇ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા ત્યારે તસ્કરે તેમની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગઇકાલે સવારે દુકાનમાં કામ કરતા ધીરેનભાઇનો જગદીશભાઇ પર ફોન આવ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે દુકાનનું શટર ખુલ્લું છે. જગદીશભાઇએ દુકાનના માલિક આદર્શભાઇ જલાનને આ મામલે વાત કરતાં બન્ને જણા દુકાન પર પહોંચી ગયા હતા. બન્ને જણાએ દુકાનમાં જઇને જોયું તો સામાન વેર-વિખેર પડ્યો હતો અને ડિજિટલ કેશ બોક્સ ગાયબ હતું. ડિજિટલ કેશ બોક્સમાં દોઢ લાખ રૂપિયાની રોક્ડ હતી, જે લઇને તસ્કર જતો રહ્યો હતો. જગદીશભાઇ અને આદર્શભાઇએ તેમની દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં તેમાં ચોરનાં કરતૂતો સામે આવ્યાં
. એક યુવકે શટર ખોલીને દુકાનમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જગદીશભાઇએ આસપાસમાં તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે રિવેરા આર્કેડમાં દુકાન ધરાવતા દિલીપભાઇ ઠક્કર (રહે. સહજાનંદ બંગલોઝ, પાલડી) તેમજ દિનેશભાઇ કાન્તિલાલ શેઠ (રહે. વૃષભ સોસાયટી, પાલડી)ની દુકાનનાં પણ શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કર આદર્શભાઇની બે દુકાન તેમજ દિલીપભાઇ અને દિનેશભાઇની દુકાનમાં ઘૂસીને ૧.૬૦ લાખની ચોરી કરીને નાસી ગયા હતા. જગદીશભાઇએ આ મામલે આનંદનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આનંદનગર પોલીસે આ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.