અમદાવાદ : અમદાવાદ શહેરમાં આ વખતે ચોમાસાની સીઝનમાં વરસાદમાં પ૦ ટકાની ઘટ પડવા છતાં પણ ઊબડખાબડ રસ્તાને રિપેર કરવાના મામલે અમ્યુકો તંત્રની ધીમી કામગીરી અને વિવાદ વચ્ચે બિસ્માર રસ્તાઓને લઇ શહેરીજનો ભારે હાલાકીનો ભોગ બન્યા છે. જા કે, દેવદિવાળી પછી શહેરના રસ્તાઓ રિપેરીંગ કરવાની અગાઉ હૈયાધારણ આપનાર અમ્યુકો સત્તાવાળાઓએ આગામી એપ્રિલ સુધીમાં શહેરના તમામ બિસ્માર રસ્તાઓને સુધારવાનો અને રિપેરીંગ કરવાનો દાવો કર્યો છે. ચોમાસા બાદ અને મેટ્રો રેલ પ્રોજેકટના કામના કારણે, શહેરના બિસ્માર રસ્તાના કારણે દરરોજ હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
સામાન્ય રીતે નવરાત્રિથી દિવાળી વચ્ચેના સમયગાળામાં રોડ રિસરફેસિંગના કામમાં ખાસ્સી ઝડપ કરાય છે, પરંતુ આ વખતે તો તંત્ર દ્વારા રોડ રિસરફેસિંગના બદલે માત્ર પેચવર્કના થાગડથીંગડ જ કામ કરાયા હતા. જેના કારણે ખુદ શાસક ભાજપના જ કોર્પોરેટરોમાં નારાજગી ફેલાઇ હતી. જા કે, રોડમાં હવે ઇજનેર વિભાગના બદલે ખાસ કન્સલ્ટન્ટ નીમીને તેમના સુપરવિઝનમાં કામ થવાનું છે, પરંતુ રોડના કામના સુપરવિઝનમાં કન્સલ્ટન્ટ દ્વારા ખાસ ઉત્સાહ બતાવવામાં આવ્યો ન હતો.
જેની ગંભીર નોંધ લઇ ઉપલા સ્તરેથી અપાયેલી સૂચનાના આધારે સંબંધિત વિભાગ હરકતમાં આવ્યો હતો અને હવે કન્સલ્ટન્ટ નીમાઇ ગયા હોઇ રોડના કામમાં ઝડપ આવશે. સત્તાવાળાઓ દ્વારા રોડ રિપેરિંગ માટે ૩.પ૦ લાખ મેટ્રિક ટન માલ ઉપયોગમાં લેવાશે, પરંતુ દેવદિવાળી બાદ માત્ર પ્રતિદિવસ ૩,૦૦૦ મેટ્રિક ટન માલ વપરાયો છે. અલબત્ત, આ મામલે ઇજનેર વિભાગના ટોચના સૂત્રોએ એવો આશાવાદ દર્શાવ્યો છે કે, આગામી અઠવાડિયામાં રોડના કામમાં ગતિ આવશે અને રસ્તાઓના રિપેરીંગ માટે પ્રતિ દિવસ ૩પ૦૦ મેટ્રિક ટન માલ ઉપયોગમાં લેવાશે. જેના કારણે તેના પછીના ૧૦૦ દિવસમાં એટલે કે એપ્રિલ સુધીમાં શહેરના તમામ ઊબડખાબડ રસ્તા રિપેર થઇને વાહનચાલકોને રાહતરૂપ બનશે. તંત્ર દ્વારા રોડ રિપેરિંગમાં એપ્રિલ મહિનાનો જ લક્ષ્યાંક નિર્ધાિરત કરાયો છે તેવો દાવો પણ સૂત્રોએ કર્યો છે. અત્યારે રોડ માટે શહેરમાં કુલ ૧૦ પેવર ચાલતા હોઇ જ્યાં નીચા લેવલની સોસાયટીનો પ્રશ્ન છે તેવા સ્થળે રોડના કામમાં મિલિંગ ટેકનોલોજી અપનાવાશે એટલે કે રસ્તાને પહેલાં થોડો ખોદીને સમતળ કરાશે અને ત્યાર પછી તેના પર ડામરનું થર પથરાશે.