રીક્ષાચાલકોનો શહેરને બાનમાં લેવાનો પ્રયાસ
હડતાળ વેળા રિક્ષાચાલકો બેફામ – ૯ બસમાં તોડફોડ
સરસપુર, સાણંદ, સારંગપુર સહિતના વિવિધ વિસ્તારોમાં રીક્ષાચાલકોએ અન્ય રીક્ષાચાલકોની રીક્ષાને પણ નિશાન
અમદાવાદ, ટ્રાફિક નિયમનના બહાને પોલીસ દ્વારા ખોટી કનડગતના વિરોધમાં અમદાવાદના રિક્ષાચાલકો અને લારી-પાથરણાવાળાઓએ હડતાળ પાડી હતી. જા કે, રીક્ષાચાલકોએ હડતાળ દરમ્યાન પોતાની મર્યાદા ઓળંગી શહેર અને નાગરિકોને જાણે બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
રીક્ષાચાલકોએ આજે શાહીબાગ, ચાંદલોડિયા, ગોમતીપુર, અસારવા સહિતના કેટલાક વિસ્તારોમાં એએમટીએસ અને બીઆરટીએસ સહિત કુલ નવ જેટલી બસોના કાચ તોડી ભારે તોડફોડ મચાવી હતી. તો, હડતાળમાં નહી જાડાનાર કેટલાક રીક્ષાચાલકોની રીક્ષાઓને સરસપુર, સાણંદ, સારંગપુર સહિતના વિસ્તારોમાં નિશાન બનાવાઇ હતી. રીક્ષાચાલકોની હડતાળને એકંદરે મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. કારણ કે, કેટલાક વિસ્તારોમાં રીક્ષાઓ ચાલુ રહી હતી. હદ તો ત્યારે થઇ કે, જયારે કેટલાક બેફામ અને છાકટા બનેલા રીક્ષાચાલકોએ ઉબેર અને ઓલામાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ચાલુ મુસાફરીમાંથી જ તેમના વાહન અટકાવી ઉતારી મૂકયા હતા અને નાગરિકોને ભારે હાલાકીનો ભોગ બનાવતી દાદાગીરી કરી હતી.
અમદાવાદમાં બે લાખથી વધુ રિક્ષાઓ છે તેની સામે માત્ર ૨૧૦૦ રીક્ષા સ્ટેન્ડ છે. આ રિક્ષા સ્ટેન્ડ વધારવા અને નવી રીક્ષાને પરમિટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જેને લઈને એસોસિએશન બંધમાં જોડાયું પરંતુ તેમા પણ ભાગલા પડ્યાં છે અને અમુક રીક્ષા એસોસિએશન હડતાળમાં જાડાયા ન હતા. જેના કારણે રીક્ષાચાલકોમાં અંદરોઅંદર જ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. હડતાળનું એલાન હોવાછતાં આજે સવારથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર રિક્ષાઓ જોવા મળી હતી. એસટી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતની અનેક જગ્યાઓ પર સવારના સમયે રીક્ષાઓ ચાલુ હતી. જો કે બાદમાં કેટલાક હડતાળને સમર્થન આપનારા રીક્ષાચાલકોએ દાદાગીરી કરી રિક્ષાઓ બંધ કરાવી હતી.
સારંગપુર, સરસપુર પાસે રીક્ષાની કાચ પણ તોડી નાખવામાં આવ્યો હતો. રિક્ષાચાલકો સાથે મારામારી કરી રીક્ષા બંધ કરાવી દીધી હતી. રીક્ષાઓની હડતાળના કારણે મણિનગર રેલેવે સ્ટેશન પાસે પ્રવાસીઓએ ઓલા, ઉબેર ટેક્સી કરતાં રિક્ષાચાલકોએ ટેક્સીચાલકોને પણ ધમકાવી ટેક્સીમાં પ્રવાસીઓને બેસવા દીધા ન હતા અને બળજબરીપૂર્વક પ્રવાસીઓને નીચે ઉતારી દીધા હતા. તો, ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે પણ રિક્ષાઓમાં પેસેન્જરોને બેસાડતા હતા ત્યારે કેટલાક રીક્ષાચાલકોએ બોલાચાલી કરી ટ્રાફિક જામ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ મામલો થાળે પડ્યો હતો.
જે રિક્ષાચાલકો બંધમાં જોડાવવા ન માગતા હોય અને રિક્ષા ચાલુ રાખી હોય તેમને જબરજસ્તી કરી રિક્ષા બંધ કરાવતા હતા ત્યારે પોલીસ હાજર હોવા છતાં પણ મૂક પ્રેક્ષક બની ગઈ હતી. કાલુપુર, સારંગપુર જેવા કેટલાક વિસ્તારોમાં સવારે રિક્ષાઓ બંધ થઇ ગઈ હતી. જેના પગલે કેટલાક પ્રવાસીઓને હાલાકી પડી હતી. રિક્ષાની હડતાળને કોઈ સજજડ પ્રતિસાદ સાંપડયો ન હતો. ઘણા વિસ્તારોમાં રીક્ષાઓ ચાલુ રહેતાં રીક્ષાચાલકોમાં ભાગલા સામે આવ્યા હતા. જા કે, આજે એએમટીએસ અને બીઆરટીએસ બસો, ઉપરાંત અન્ય રીક્ષાઓમાં તોડફોડની ઘટનાઓ અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે અને આગામી દિવસોમાં આ સમગ્ર મામલે રીક્ષાચાલક એસોસીએશનને તેના વરવા પ્રત્યાઘાત સહન કરવા પડે તેવી પણ શકયતા સેવાઇ રહી છે. શહેરના નગરજનોએ પણ આજે રીક્ષાચાલકોના શહેરને બાનમાં લેવાના પ્રયાસ અને લુખ્ખી દાદાગીરીને લઇ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને આવા તત્વો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરી હતી.