મુંબઈઃ લોકપ્રિય અભિનેત્રી રીટા ભાદુરીનું આજે અવસાન થતાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. સાવન કો આને દો, જુલી, હીરો નંબર વન અને બેટા જેવી ફિલ્મો મારફતે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર રીટા ભાદુરીના અવસાનથી બોલીવુડના તમામ લોકોએ આઘાતની લાગણી વ્યક્ત કરી છે.
રીટા ભાદુરી છેલ્લા બે સપ્તાહથી જુહુના સુજય હોસ્પિટલમાં દાખલ હતી. સોમવારની મોડી રાત્રે હાર્ટએટેક થયા બાદ તેમનું અવસાન થયું હતું. છેલ્લા ૧૦ દિવસથી હોસ્પિટલમાં રીટા ભાદુરી ભરતી હતા. અભિનેત્રીની ભત્રીજી મિની ભાદુરીએ કહ્યું છે કે, તેમને કિડનીની તકલીફ હતી. શરીરના અનેક હિસ્સા નબળા પડી ગયા હતા. એટેકના કારણે સોમવારે રાત્રે ૧.૪૫ વાગે તેમનું અવસાન થયું હતું.
અભિનેતા શીશીર શર્માએ રીટા ભાદુરીના અવસાન અંગે સ્પષ્ટ વાત કરી છે. સૌથી પહેલા તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી. પોતાના પેજ ઉપર શિશિરે કહ્યું હતું કે, તેઓ દુખ સાથે કહી રહ્યા છે કે, રીટા ભાદુરી અમને છોડીને જતાં રહ્યા છે. આજે બપોરે ૧૨ વાગે તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. બપોરના ગાળામાં અંધેરી પૂર્વના સ્મશાન ગૃહમાં રીટા ભાદુરીના અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. અંતિમસંસ્કારમાં શિશિર શર્મા અને સતીષ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
રીટા ભાદુરી પ્રોફાઇલ….
નામ ઃ રીટા ભાદુરી
જન્મતારીખ ઃ ૪ નવેમ્બર ૧૯૫૫
જન્મસ્થળ ઃ લખનૌ, ઉત્તરપ્રદેશ
મૃત્યુ તારીખ ઃ ૧૭ જુલાઈ ૨૦૧૮
પ્રોફેશન ઃ ટીવી-ફિલ્મ અભિનેત્રી
સક્રિય વર્ષો ઃ ૧૯૬૮-૨૦૧૮
રીટા ભાદુરી છેલ્લે ટીવી સિરિયલ નિમ કી મુખિયામાં નજરે પડી હતી જેમાં તેમની ઇમ્રતીદેવીની ભૂમિકા લોકપ્રિય રહી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ રીટા ભાદુરીના લાંબા સમય સુધી સંબંધ હતા. ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓમાં તેમને ગણવામાં આવે છે. એક ભોજપુરી ફિલ્મમાં પણ ભુમિક ભજવી હતી. ૭૦, ૮૦ અને ૯૦ના દશકમાં રીટા ભાદુરીએ અનેક ફિલ્મોમાં સહઅભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૯માં આવેલી રાજશ્રી પ્રોડક્શનની સાવન કો આને દો અને ૧૯૯૫માં આવેલી રાજા માટે રીટા ભાદુરીને વિશેષ રીતે ઓળખવામાં આવે છે. અનેક વખત જયા બચ્ચનની નાની બહેન તરીકે પણ રીટા ભાદુરીને લોકો ઓળખી કાઢતા હતા. ત્રણ દશકના લાંબા ગાળામાં રીટા ભાદુરીએ ૭૦થી વધુ ફિલ્મો કરી હતી. જ્યારે સારાભાઈ વર્સેસ સારાભાઈ, છોટી બહુ, કુમકુમ, એક નઈ પહચાન, હસરતેં, મુઝરિમ હાજીર હો, થોડા હે થોડે કી જરૂરત હૈ, ચુનૌતી અને ખિચડી જેવી ૩૦થી વધુ સિરિયલોમાં ભૂમિકા ભજવી હતી.
રીટા ભાદુરીને ફિલ્મ ફેર એવોર્ડ રાજા અને સાવન કો આને દો માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે મળ્યો હતો. ૧૯૭૫માં રજુ થયેલી સુપરહિટ ફિલ્મ જુલીમાં ઉષાની ભૂમિકાને ચાહકો હજુ ભુલી શક્યા નથી. કુમકુમ ભાગ્યવિધિતામાં તેમની સાથે કામ કરી ચુકેલી જુહીનું કહેવું છે કે, રીટા ભાદુરી શ્રેષ્ઠ અભિનેત્રી તરીકા હતા. અભિનેતા અનિલ કપૂરે પોતાની પ્રતિક્રિયામાં આઘાત વ્યક્ત કર્યો છે. અનિલ કપૂરે ઘર હો તો ઐસા, બેટા જેવી ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. ૧૯૫૫માં જન્મેલી રીટા ભાદુરી ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુ ઓફ પુણેમાં અભ્યાસ કરીને આગળ વધી હતી. લોકપ્રિય અભિનેત્રી ઝરીના વહાબ સાથે રીટા ભાદુરી અભ્યાસ કરી રહી હતી. ઝરીના વહાબે પણ રીટા ભાદુરીના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું છે. ઝરીના વહાબનું કહેવું છે કે, શિરડીમાં છેલ્લે ગયા હતા ત્યારે છેલ્લી મુલાકાત થઇ હતી. ૬૨ વર્ષની વયમાં તેમનું આજે અવસાન થયું હતું.