અમદાવાદઃ ગુજરાતના માથેથી જે વરસાદી સિસ્ટમ પસાર થઈને અરબી સમુદ્રમાં ગઈ હવે વાવાઝોડું સ્વરૂપ ધારણ કરી લીધું છે, આ વાવાઝોડું આજે રાત્રે તીવ્ર બની જશે અને પછી તે પશ્ચિમ તરફ ગતિ કરશે. પરંતુ રવિવારે સાંજે યુટર્ન લેશે અને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તે ગુજરાતને ટકરાશે કે કેમ તે અંગેની સંભાવનાઓ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.
હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડા અંગેની માહિતી અને તેના ટ્રેકની વિગતો રજૂ કરવામાં આવી છે. શનિવારની વહેલી સવારે 3 વાગ્યે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની વિગતો આપી હતી, જેમાં શુક્રવારે સાંજે 6 વાગ્યે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ હોવાનું જણાવ્યું હતું. આ સાથે વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે અંગેની માહિતી પણ પણ આપવામાં આવી છે. શનિવારે વહેલી સવારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે શક્તિ વાવાઝોડું 3 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે દ્વારકાથી 340 કિલોમીટર દૂર પશ્ચિમમાં હતું.
હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાનો આગામી 2 દિવસ સુધી કેવો ટ્રેક રહેશે તેની વિગત આપવામાં આવી છે, જેમાં વાવાઝોડું તીવ્ર બન્યા બાદ યુટર્ન લઈ રહ્યું છે અને તે પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાના બદલે પૂર્વ તરફ ગતિ કરતો ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે. શનિવારે રાત્રે 12 વાગ્યે શક્તિ વાવાઝોડું તીવ્ર બનશે અને તે 5મી તારીખે સવારે પૂર્વ દિશામાં ગતિ કરતું રહેશે. જે પછી શક્તિ વાવાઝોડું 6 ઓક્ટોબરે વળાંક લેશે અને પૂર્વ-ઉત્તર તરફ ગતિ કરશે, આમ ગતિ કરવાથી તે ગુજરાતની નજીક પહોંચશે.
શક્તિ વાવાઝોડું 5મીએ સાંજે યુટર્નની પ્રક્રિયા શરુ કરશે અને 6 તારીખે તે પૂર્વ-ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાનું શરુ કરશે. જે 6 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે પૂર્વ દિશા પકડીને સાંજે 6 વાગ્યે વધુ પૂર્વ-ઉત્તર તરફ ગતિ કરશે. શક્તિ વાવાઝોડાનો જે ટ્રેક રજૂ કરવામાં આવ્યો છે તેમાં 7 તારીખની સવારે 6 વાગ્યા સુધીની માહિતી આપવામાં આવી છે જેમાં વાવાઝોડું ગઈકાલે રાત્રે જે સ્થિતિમાં હતું તેની સમાંતર દક્ષિણ ભાગમાં પહોંચી જશે. આ પછી આગળ વાવાવાઝોડું કઈ દિશામાં અને કેવી સ્થિતિમાં જાય છે તે મહત્વનું રહેશે.
આ વાવાઝોડાને શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યું છે, જેને શક્તિ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે પરંતુ તેનો અંગ્રેજી સ્પેલિંગ SHAKHTI છે જેથી તેનું ઉચ્ચારણ શખતી પણ થઈ શકે છે. હવે આ પછી જો કોઈ વાવાઝોડું આવશે તો તેને થાઈલેન્ડ દ્વારા નામ આપવામાં આવ્યું છે જેનું નામ મોનથા (MONTHA) છે.