બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને તેમની માતા દ્વારા બનાવેલી બરફી શેર કરતા જોવા મળી રહ્યા છે. સુનકે પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ માટે તેમણે શાનદાર કેપ્શન પણ આપ્યું છે. જો કે આ વીડિયો મે મહિનાનો છે પરંતુ સુનકે તેને ૧૮ જૂને શેર કર્યો હતો. તાજેતરમાં જ ઋષિ સુનક એક ઈન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સકી સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઝેલેન્સકીને તેની માતા દ્વારા બનાવેલી બરફી ખવડાવવાની વાત કરી.
સુનકે કહ્યું કે માતાએ મારા માટે ભારતીય સ્વીટ બરફી બનાવી હતી. બરફી બનાવ્યાના બીજા જ દિવસે હું યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યો. જ્યારે વાતચીત શરૂ થઈ ત્યારે તેમણે કહ્યું કે તેને ભૂખ લાગી છે. જે બાદ મેં તેમને માતા દ્વારા બનાવેલી બરફી ખવડાવી હતી. ઋષિ સુનકે વિડીયો શેર કરતા એક શાનદાર કેપ્શન પણ આપ્યું છે. શેર કરાયેલા વિડિયોમાં સુનક યુક્રેનના રાષ્ટ્રપતિને પોતાના હાથથી બરફી આપતા પણ જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૧૬ મહિનાથી લડાઈ ચાલી રહી છે. યુક્રેનને લડાઈમાં બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોનું સમર્થન મળ્યું છે. યુદ્ધની વચ્ચે, આ વર્ષે ૧૫ મેના રોજ, ઝેલેન્સકી સુનકને મળવા માટે બ્રિટન ગયા હતા. જ્યાં બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે સૈન્ય અને આર્થિક મદદને લઈને ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન જ સુનકે તેની માતા દ્વારા બનાવેલી બરફી ઝેલેન્સકીને ખવડાવી હતી.