અમદાવાદ: ખેડૂતોના પ્રશ્ને મંગળવારે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં વિશાળ ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂરી થયા બાદ રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો અને લોકો વિધાનસભા તરફ જઇ રહ્યા હતા ત્યારે આશરે ૧૦૦૦ લોકોના ટોળાએ સૂકા નાળિયેર અને પથ્થર બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ પર ફેંક્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીને વાગ્યા હતા, જેમાં એક પોલીસકર્મીને માથામાં પથ્થર વાગતા ગંભીર ઇજા થઇ હતી. આ સમગ્ર મામલે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કાર્યકરો સહિત ૧૦૦૦ લોકો વિરૂદ્ધ રાયોટિંગ, પોલીસ પર હુમલો અને જાહેરનામા ભંગ બદલના ગુનો દાખલ કરાતાં ભારે ચકચાર મચી ગઇ છે.
કોંગ્રેસપક્ષે સરકારના ઇશારે આવી કિન્નાખોરી રાખી કાર્યવાહી થઇ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને રાયોટીંગ સહિતનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયાને વખોડી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા મંગળવારે રાજયના ખેડૂતોના પ્રશ્ને ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતુ અને સભા પૂરી થયા બાદ કોંગ્રેસના કાર્યકરો સહિત ૧૦૦૦ થી વધુ લોકોનું ટોળું વિધાનસભા તરફ ઘેરાવ માટે જઇ રહ્યું હતું.
ટોળું પથિકાશ્રમ પાસે પહોંચ્યું ત્યારે પોલીસે તેઓને રોકી વિખેરાઇ જવા જણાવ્યું હતું છતાં પણ ટોળા દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. દરમ્યાનમાં વિટકોસ બસ સ્ટેશન તરફથી ટોળાંએ સૂકા નાળિયેર અને પથ્થર પોલીસકર્મીઓ પર ફેંક્યા હતા. જેમાં કેટલાક પોલીસકર્મીઓને પથ્થર વાગ્યા હતા અને નાની મોટી ઇજા થઇ હતી. જ્યારે વડોદરા પીટીએસ ખાતે ફરજ બજાવતા અને બંદોબસ્તમાં આવેલા કોન્સ્ટેબલ પ્રવીણભાઇ ચૌધરીને માથામાં પથ્થર વાગતા તેઓને ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલીક તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ખેડૂત આક્રોશ રેલીમાં આવેલ કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ પર પથ્થરમારો કરતા પ્રવીણભાઇ ચૌધરીએ ૧૦૦૦ લોકોનાં ટોળાં વિરૂદ્ધ રાયોટિંગ અને પોલીસ પર હુમલા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.