અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વિકટ બની રહેલી સમસ્યામાં ઓટોરીક્ષાચાલકોના બેજવાબદાર અને આડેધડ પાર્કિંગના વલણને લઇ વધારો થઇ રહ્યો હોઇ ટ્રાફિક વિભાગે શહેરમાં ઓટોરીક્ષાચાલકો વિરૂધ્ધ પણ ઝુંબેશ હાથ ધરી હતી. જેને પગલે નારાજ રીક્ષાચાલકો દ્વારા પોલીસની ખોટી કનડગત અને હેરાનગતિ થઇ રહી હોવાના આક્ષેપો સાથે ભારે નારાજગી વ્યકત કરી હતી અને આવતીકાલે સોમવારે અમદાવાદ શહેરમાં રીક્ષાચાલકોની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. રીક્ષાચાલકોની હડતાળને પગલે આવતીકાલે સામાન્ય નાગરિકો ખાસ કરીને મહિલાઓ, વૃધ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા પોલીસતંત્ર તેમજ મ્યુનિસિપલ સત્તાવાળાઓને કડક તાકીદ કરાઇ હતી. જેના પગલે અમ્યુકો તંત્ર અને શહેર ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે, પરંતુ આ અભિયાન હેઠળ ઓટોરિક્ષાચાલકો સાથે પોલીસ ખોટી કનડગત કરતી હોવાનો આક્ષેપ મૂકીને તેના વિરોધમાં આવતીકાલે એક દિવસ પૂરતો સ્વયંભૂ બંધ પાળવાનો ઓટો રિક્ષાચાલકો દ્વારા નિર્ણય લેવાયો છે. શહેરમાં ૪૫ લાખ વાહન હોઈ તેની સામે બે લાખથી વધુ તો ઓટોરિક્ષાઓ છે.
રીક્ષાચાલકોએ રોષ ઠાલવતાં જણાવ્યું કે, કાયદો માત્ર રિક્ષાચાલકો માટે હોય તે રીતે પોલીસતંત્ર દ્વારા આઈપીસીની કલમ-૧૮૬, ૧૮૮ અને ૨૮૮નો દુરુપયોગ કરાય છે. શહેરમાં માત્ર ૨૧૦૦ રિક્ષા માટેનાં સ્ટેન્ડ છે. ઉતારુઓ માટેનાં પિકઅપ સ્ટેન્ડ પણ નથી એટલે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રિક્ષાચાલકો પર દમન ગુજારે છે, જેના વિરોધમાં આવતીકાલે સોમવારે રિક્ષાચાલકો એક દિવસ પોતાનો ધંધો બંધ રાખશે તેમ જણાવતાં રિક્ષાચાલક અગ્રણીઓ અશોક પંજાબી, રાજવીર ઉપાધ્યાય વગેરેએ વધુમાં એવી માગણી કરી છે કે તંત્ર દ્વારા તત્કાળ અસરથી ૨૫ ટકા રિક્ષા માટે સ્ટેન્ડ અપાય તેમજ પોલીસ દમનને બંધ કરાય.
તાજેતરમાં હાઈકોર્ટના આદેશના પગલે શહેરમાં હાથ ધરાયેલા ટ્રાફિક નિયમનની ઝુંબેશ હેઠળ પોલીસ સત્તાવાળાઓએ ૧૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાના આક્ષેપ ઊઠ્યા છે, ત્યારે આ મામલે પોલીસે સહકારભર્યુ અને નરમાશભર્યુ વલણ દાખવવું જાઇએ કે જેથી રોષ અને ઘર્ષણની પરિસ્થિતિ ટળી શકે. જો તંત્ર દ્વારા સમાધાનકારી પગલાં નહી લેવાય તો, આગામી દિવસોમાં વિશાળ સભા અને રેલીના કાર્યક્રમોનું એલાન આપવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. હડતાલના કારણે અંધાધૂંધી ફેલાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.