સુરત: શહેરમાં ગત નવેમ્બર મહિનામાં થયેલા ચકચારી મહિલા RFO ફાયરિંગ કેસમાં હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી સારવાર હેઠળ રહેલી RFO સોનલ સોલંકીએ આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 48 દિવસ સુધી હોસ્પિટલના બેડ પર મોતને મ્હાત આપ્યા બાદ અંતે આ મહિલા RFO જિંદગીની જંગ હારી ગઈ છે, ત્યારે આ મામલો હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
આ ચકચારી ઘટનાની શરૂઆત ગત 6 નવેમ્બરના રોજ થઈ હતી. જ્યારે સુરત કામરેજના જોખા-વાવ રોડ પર અકસ્માત થયેલી હાલતમાં કાર મળી આવી હતી. કારમાંથી એક લોહીલુહાણ વનવિભાગની મહિલા અધિકારી આર.એફ.ઓ. (RFO) સોનલ સોલંકી અને તેનો નાની વયનો દીકરો મળી આવ્યો હતો. જે બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તપાસ દરમિયાન સોનલ સોલંકીના માથાના ભાગે ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરૂ હતી.
પોલીસ તપાસમાં જે ખુલાસો થયો હતો કે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું છે અને આ ફાયરિંગ કરાવનાર બીજું કોઈ નહીં પણ તેના પોતાના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનું નામ જ સામે આવ્યું હતું. બંનેના દાંપત્ય જીવનમાં મતભેદ હોવાથી નિકુંજ ગોસ્વામીએ પોતાની પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેમણે શૂટર ભાડે રાખીને સોનલ સોલંકી પર ગોળીબાર કરાવ્યો હતો.
ફાયરિંગ બાદ RFO સોનલ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તાત્કાલિક તેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી તેની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જોકે સતત 48 દિવસ સુધી સારવાર બાદ આજે વહેલી સવારે તેમની તબિયત લથડી હતી અને તેનું મોત થયું છે.
નોંધનીય છે કે, RFO સોનલબેનના લગ્ન વર્ષ 2020માં સુરતમાં RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિકુંજ ગોસ્વામી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક દીકરો પણ છે. જોકે લગ્નના થોડા વર્ષો પછી દંપતી વચ્ચે મતભેદો ઊભા થવાના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી બંને છેલ્લા એકાદ વર્ષના સમયથી પતિ-પત્ની બંને એકબીજાથી અલગ અલગ રહેતા હતા અને આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો
આ ઉપરાંત, અગાઉ આ મામલે RFO સોનલબેને એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ ઉલ્લેખ કર્યો હતો કે, તે જ્યારે પોતાની કાર સાફ કરી રહી હતી, ત્યારે કારના બોનેટમાં છુપાવેલ સિમ કાર્ડ સાથે GPS ટ્રેકર મળ્યું હતું બાદમાં સોનલબેનને પતિ નિકુંજ ગોસ્વામી પર શંકા વ્યક્તિ કરી તેના પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પતિએ તેના પર ફાયરિંગનું ષડયંત્ર રચ્યું હતું.
