નિર્ભયાના દોષિત અક્ષય ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટરુમમાં ઉપસ્થિત રહેલા નિર્ભયાના માતાપિતાએ કોર્ટના આ નિર્ણયને લઇને ખુશી વ્યક્ત કરી હતી. જો કે, પટિયાલા હાઉસ કોર્ટ તરફથી ડેથ વોરંટ જારી ન થતાં નિરાશા પણ જોવા મળી હતી. નિર્ભયાના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમને તો હજુ સુધી માત્ર તારીખ ઉપર તારીખ મળી રહી છે. સુપ્રીમ કોર્ટે આજે ચાર અપરાધીઓ પૈકીના એક અક્ષય ઠાકુરની રિવ્યુ અરજીને ફગાવતા કહ્યું હતું કે, ટ્રાયલ અને ચુકાદામાં કોઇપણ પ્રકારની ખામી દેખાતી નથી.
કોર્ટમાં આગામી સુનાવણી ૭મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સાતમી જાન્યુઆરી સુધીનો સમય દોષિતોને કોર્ટ દ્વારા મળી ગયો છે. નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, એક વર્ષથી તેઓ પટિયાલા હાઉસ કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. અહીં તમામ અધિકાર અપરાધીઓને મળેલા છે. અમને કોઇ અધિકાર મળેલા નથી. અમારા વકીલની વાત કોર્ટે સાંભળી ન હતી. કોર્ટે પણ તેમના વકીલોની વાત સાંભળી હતી. કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, સાત વર્ષથી અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ચુકાદાનો ઇંતજાર માત્ર અમે જ નહીં બલ્કે સમગ્ર દેશના લોકો કરી રહ્યા છે.
બીજી બાજુ દોષિતોના વકીલ એપીસિંહે કહ્યું હતું કે, ૭મી જાન્યુઆરી સુધીનો સમય રહેલો છે. અમે વધુ અપીલ કરીશું. અક્ષય ઠાકુરના વકીલે રિવ્યુ પિટિશન ફગાવી દીધા બાદ ક્યુરેશન પિટિશન દાખલ કરવાની વાત કરી છે. ડેથ વોરંટના સંદર્ભમાં ચુકાદો હાલમાં ટળી ગયો છે. કોર્ટે નિર્ભયાની માતાને કહ્યું હતું કે, આપની સાથે અમને સહાનુભૂતિ છે. અમને માલુમ છે કે, કોઇનું મોત થયું છે પરંતુ અહીં કોઇ અન્યના અધિકારની પણ વાત છે. અમે આપને સાંભળવા માટે આવ્યા છે પરંતુ અમે પણ કાનૂન સાથે બંધાયેલા છે. સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે, દયા અરજી પેન્ડિંગ રહેવા અથવા તો દોષી દયાની અરજી દાખલ કરવા ઇચ્છે છે તે તથ્ય કોર્ટને ડેથ વોરંટ જારી કરવાથી રોકી શકે નહી.
દોષિતોના વકીલોએ કહ્યું હતું કે, તમામ કાયદાકીય વિકલ્પ ચકાસ્યા વગર ડેથ વોરંટ જારી કરી શકાય નહી. બીજી બાજુ જેલ ઓફિસરે કહ્યું હતું કે, અક્ષય અને મુકેશે કહ્યું છે કે, તેઓ દયાની અરજી દાખલ કરશે નહીં. ટોપ કોર્ટે પહેલાથી જ આના પર વિચારણા કરી લીધી છે અને મૃત્યુદંડની સજાને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફગાવી દીધા બાદ હજુ પણ આને લઇને કેટલીક અડચણો રહેલી છે.