- નર્મદાના પાણીના વિકલ્પે રૂ. ૨૦૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ૩૨ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી
- આગામી ચોમાસા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયોના પાણીના જથ્થાને પીવાના પાણી માટે અનામત રાખવા સુચના
- દર સપ્તાહે જિલ્લા કક્ષાએ પાણી સમિતિની બેઠક મળશે
- આદિવાસી વિસ્તારોમાં વધારાની હેન્ડપંપ રીપેરીંગ ટીમો કાર્યરત કરાશે
- અગરીયાઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરાશે
- રાજ્ય સરકારનું ૩૧મી જુલાઇ સુધીનું આગોતરું આયોજન
- રાજ્યના ૧૪૦૦ ગામ અને ૩૨ શહેરોને વૈકલ્પીક યોજના દ્વારા પીવાનું પાણી મળી રહેશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરમાં આગામી ઉનાળાના દિવસો દરમિયાન પણ પાણીની મુશ્કેલી સર્જાય નહી તે માટે આગતરુ આયોજન કરી અગાઉ મંજુર કરાયેલા તાકીદના રૂ.૨૦૬ કરોડના ૩૨ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ પાણીની સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા કરાયેલા આયોજન સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની બોલાવેલી સમીક્ષા બેઠકને સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે કામને હંમેશાં પ્રાધાન્ય આપ્યુ છે અને એટલે જ આ વર્ષે નર્મદા ડેમમાં ૫૦ ટકાથી પણ ઓછુ પાણી ભરાયુ હોવા છતા રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને ૩૧મી જુલાઇ સુધીમા પાણીની ઉભી થનારી જરુરીયાતને પહોંચી વળવા યુધ્ધના ધોરણે કામગીરી આરંભી છે.
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં પીવાના પાણી માટે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જળાશયોમાં આગામી ચોમાસાને ધ્યાને લઇ જુલાઇ-૨૦૧૮ સુધીનો પાણીનો જથ્થો અનામત રાખવાની સુચના પણ આપી હતી.
રાજ્યમાં હાલ નર્મદા આધારીત યોજનાઓમાંથી ૮૬૩૯ ગામ અને ૧૬૫ શહેરી વિસ્તારોમાં પીવાનુ પાણી પુરુ પડાય છે ત્યારે રવી સીઝન માટે સિંચાઇનુ પાણી અપાયા બાદ સ્થાનિક જળસ્ત્રોતોમાં ઉપલબ્ધ પાણીનો પીવા પાણી તરીકે સુચારુ ઉપયોગ થાય તેમ પણ મુખ્યમંત્રીએ ભાર પુર્વક જણાયુ હતુ.
રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની જરુરીયાતને પહોંચી વળવા આગામી ૧૫મી માર્ચથી નર્મદા નહેરમાં માત્ર પીવાના પાણીનું જ વહન કરવાનુ નક્કી કર્યુ છે ત્યારે આ સમય બાદ મુખ્ય નહેર તથા સૌરાષ્ટ્ર શાખા નહેરમાં જ પીવાનુ પાણી ઉપલબ્ધ થઇ શકશે જ્યારે અન્ય શાખા નહેરો બંધ રાખવામાં આવશે. જેનાથી જે ગામ શહેરોને નર્મદાનુ પાણી પહોંચતુ બંધ થાય ત્યાં વૈકલ્પીક વ્યવસ્થા યુધ્ધના ધોરણે કરી પાણી પહોંચાડવા મુખ્યમંત્રીએ સુચના આપી હતી. આ માટે અગાઉથી જ રાજ્ય સરકારે જે રૂ.૨૦૬ કરોડના ૩૨ કામોને મંજુરી આપેલી તે તમામ કામોની હાલની સ્થિતિની – પ્રગતિની મુખ્ય મંત્રીએ સમીક્ષા કરી આ કામો ઝડપથી પુર્ણ કરવા સુચના પણ આપી હતી. રાજ્ય સરકારના આ આગોતરા આયોજનથી ૧૪૦૦થી વધુ ગામ અને ૨૩ જેટલા શહેરોને વૈકલ્પિક આયોજન દ્વારા ઉનાળાના દિવસોમાં પણ પીવાનુ પાણી ઉપલબ્ધ થશે. આ કામો થકી સૌરાષ્ટ્રના જે જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવામાં આવે છે તે ઉપરાંત સાની, વર્તુ-૨, ઘી, ઓઝત-૨, બ્રામણી-૧, બ્રામણી -૨, ફોદાળા ડેમ અને કચ્છના ફતેહગઢ, ગોધતડ, મીઠ્ઠી, સુવાઇ જેવા ડેમમાંથી વધારાનો જથ્થો નર્મદાના વિકલ્પે પુરૂ પાડવાનું આયોજન કરાયું છે.
આ સમીક્ષા બેઠકમાં કચ્છ જીલ્લાની જીવાદોરી સમાન ટપ્પર ડેમ તેમજ રાજકોટ જીલ્લાના આજી-૧ ડેમમાં જરૂરીયાત મુજબનો પાણીનો જથ્થો ભરવાના નિર્ણયની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી આ કામની પ્રગતિની પણ માહીતી મેળવી હતી. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌ અધીકારીઓ અને દરેક જીલ્લાના કલેક્ટરઓને દર અઠવાડીયે પીવાના પાણીની સ્થિતિની સમિક્ષા કરવાની પણ સુચના આપી હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના તથા દરિયાકાંઠાના અગરિયાઓને પાણીની મુશ્કેલી પડે નહી તેના માટે વધુ ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવા માટેનું આયોજન કરવા ભારપુર્વક જણાવ્યુ હતુ. આ ઉપરાંત તેમણે જરુર જણાય તેવા વિસ્તારોમાં નવા પાતાળકુવા અને હેન્ડપંપ શારવાની પણ સુચના આપી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાઓ પીવાના પાણીનું દૈનિક રીતે સુચારુ વિતરણ કરી શકે તે માટે શહેરી વિકાસ વિભાગને લાંબાગાળાના આયોજન માટે નિષ્ણાંતોની સેવાઓ લઇ યોજના બનાવવા પણ સુચના આપી હતી.
સમિક્ષા દરમ્યાન અધિકારીઓએ એવુ જણાવ્યુ હતુ કે રાજ્યના દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના જીલ્લાઓ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ખેડા અને આણંદ જીલ્લામાં પીવાના પાણી માટે પુરતા સ્ત્રોત છે. આ જીલ્લાઓમાં જરૂર જણાય ત્યાં ટેન્કર મારફત પાણી આપવાનું પણ આયોજન કરાયું છે. આદિજાતિ વિસ્તારોમાં હેન્ડપંપની મરામત કરવા માટે પુરતી સંખ્યાની રીંપેરીંગ ટીમો ઉપલબ્ધ થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના ૨૮૦ ગામો ફતેપુર અને ખેડ તળાવ આધારિત છે. નર્મદા મુખ્ય નહેરથી પાઇપલાઇન મારફત આ તળાવો પીવાના પાણી માટે ભરવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પણ અધિકારીઓએ આપી હતી.
રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રૂ. ૨૦૬ કરોડનુ જે તાકીદનુ આયોજન કર્યુ છે તેમાં પ્રગતિ હેઠળના કામોમા મુખ્યત્વે અમદાવાદ જીલ્લા માટે અંદાજે રૂ. ૨૨.૪૦ કરોડ, દેવભુમિ દ્વારકા માટે અંદાજે રૂ. ૪૪.૫૦ કરોડ, કચ્છ માટે અંદાજે રૂ. ૪૧.૩૨ કરોડ, મોરબી માટે અંદાજે રૂ. ૨૦.૬૬ કરોડ, ભાવનગર માટે અંદાજે રૂ. ૨૬.૨૦ કરોડ, સુરેન્દ્રનગર માટે અંદાજે રૂ. ૧૭.૮૦ કરોડ, જુનાગઢ માટે અંદાજે રૂ. ૧૪.૨૦ કરોડ, રાજકોટ માટે અંદાજે રૂ. ૯.૫૦ કરોડ અને પાટણ-બનાસકાંઠા જીલ્લા માટે રૂ. ૭.૩૪ કરોડના કામોનો સમાવેશ થાય છે.
આ તમામ પ્રગતિ હેઠળના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકાના ૧૨૬ ગામોને ઝીંઝુવાડા બ્રાંચ કેનાલના પ્રથમ પુલ ખાતે ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરવા અંદાજીત રૂ. ૧૬ કરોડના કામ, દેવભૂમિદ્વારકા જીલ્લામાં ખંભાળીયા અને કલ્યાણપુરતાલુકાના કુલ ૧૬ ગામ માટે રૂ. ૭.૬૯ કરોડની ઘી જળાશય મુખ્ય પાઇપલાઇનના કામો, ખંભાળીયા તાલુકાના ૮૦ અને લાલપુર તાલુકાના ૩૯ ગામો અને ત્રણ શહેર માટે પાંચદેવડા તળાવની મુખ્ય પાઇપલાઇના રૂ. ૧.૧૪ કરોડના કામો તેમજ કલ્યાણપુર અને ઓખામંડળના ૯૯ ગામ અને ત્રણ શહેર માટે સાની ડેમથી ૧૭ કિ.મી. લંબાઇની પાઇપલાઇન માટે રૂ. ૩૨.૪૦ કરોડના કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના માણાવદર શહેર તથા માણાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે બાંટવા ખર ડેમથી ૧૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇનના અંદાજિત રૂ. ૨.૭૧ કરોડના કામો તથા ઓઝત – ૨ ડેમથી પાઇપલાઇન માટે રૂ. ૨.૪૦ કરોડના કામો કરાશે તથા પોરબંદર જીલ્લાના ગામો માટે ફોદરા ડેમની પાઇપલાઇનનું રૂ. ૧.૬૫ કરોડનુ કામ પણ હાથ ધરાશે.
રાજકોટ જીલ્લાના ભાદર-૧ ડેમથી અમરનગર હેડવર્કસ સુધી ૧૪.૫૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇન યોજનાના રૂ. ૯.૫૦ કરોડના કામનો સમાવેશ થાય છે.
મોરબી અને સુરેન્દ્રનગર માટે બ્રાહ્મણી-૨ ડેમ આધારીત પાઇપલાન દ્વારા હળવદ અને મૂળી તાલુકાના કુલ ૭૯ ગામ અને ૧ શહેર માટે રૂ. ૨૦.૬૬ કરોડ જ્યારે નાયકા ડેમ આધારીત સુરેન્દ્રનગર જીલ્લાના ૨૩ ગામ માટે ૨ કી.મી. લંબાઇની પાઇપલાનનું રૂ. ૧.૩૨ કરોડનું કામ અને લીંબડી શહેર અને ૧૪ ગામો માટે વડોદ ડેમ આધારિત પાઇપલાઇનના રૂ. ૧.૫૬ કરોડના કામ જ્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ૫૭ ગામો અને ધ્રાંગધ્રા શહેર માટે ૪.૨૫ કિ.મી. લંબાઇની પાઇપલાઇન માટે રૂ. ૮.૨૭ કરોડ તથા ધોળીધજા ડેમ ખાતે નવીન પંપીંગ મશીનરી માટે ૨.૩૫ કરોડ થકી સુરેન્દનગર જીલ્લાના સાયલા, ચોટીલા, થાનગઢ, મૂળી અને વાંકાનેર તાલુકાના કુલ ૩૨૪ ગામ અને બે શહેરને પાણી પુરવઠો આપી શકાશે.
કચ્છ જીલ્લાના ફતેગઢ ડેમથી ૨ કિ.મી. પાઇપલાઇન માટે રૂ. ૪.૧૭ કરોડનું કામ જેનાથી રાપર તાલુકાના ૫૭ ગામને લાભ મળશે જ્યારે ગોધાતળ ડેમ આધારીત પાઇપલાઇનના રૂ. ૨.૦૨ કરોડના કામથી ૨૧ ગામોને લાભ થશે આજ રીતે અબડાસા તાલુકાના ૨૭ ગામો માટે મીટ્ટી ડેમથી ૨૩ કિ.મી. પાઇપલાઇનના કામ માટે રૂ. ૧૬.૭૪ કરોડ ખર્ચાશે જ્યારે સુવઇ ડેમ ખાતેની ૧૩.૩૨ કિ.મી. લંબાઇની પાઇપલાઇનની રૂ. ૭.૪૧ કરોડની યોજના અને કચ્છ જીલ્લાના ૮ ગામો માટે ગજનસર ડેમથી ૬.૫૦ કિ.મી. લંબાઇની પાઇપલાઇન રૂ. ૧.૪૮ કરોડના ખર્ચે નંખાશે. આ ઉપરાંત ભાવનગર જીલ્લામાં ૧૬૨ ગામ અને ૨ શહેરને પાણી પુરુ પાડવા માટે વલ્લભીપુર બુધેલ બલ્ક પાઇપલાઇન માટે રૂ. ૨૬.૧૮ કરોડનો ખર્ચ થશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં સિંચાઇ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, મુખ્ય સચિવ જે.એન.સિંઘ, ગૃહ અને નર્મદા વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી, પાણી પુરવઠા પ્રભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા, જળ સંપત્તિ સચિવ એમ.કે.જાદવ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.