રેવાડી: હરિયાણાના રેવાડી જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે ગેંગરેપની સનસનાટીપૂર્ણ ઘટના બાદ જિલ્લાના એસપીની દલી કરી દેવામં આવી છે. મામલામાં આરોપીઓની મદદ કરનાર એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ભારે હોબાળો થયા બાદ એક તબીબની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આરોપીઓની શોધખોળમાં હરિયાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખાતરી આપતા કહ્યું છે કે,તમામ આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે.
રેવાડીમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપના મામલા બાદ સરકારે પગલા લઇને રેવાડીના એસપી રાજેશ દુગ્ગલની બદલી કરી દીધી છે. તેમની જગ્યાએ રાહુલ શર્માને રેવાડીના નવા એસપી બનાવી દેવામાં આવ્યા છે. આ ભયાનક અપરાધના ચાર દિવસ બાદ પણ આરોપી હજુ પકડાયા નથી. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, આરોપીઓને પકડી પાડવા માટે કેટલીક ટીમોની રચના કરવામાં આવી છે. એવી આશા છે કે, બાકીના આરોપીઓને ટૂંક સમયમાં જ પકડી પાડવામાં આવશે. ડીસીએ કહ્યું છે કે, યુવતીની સારવાર રેવાડીમાં કરવામાં આવશે. યુવતીના માતા-પિતા રેવાડીમાં સારવાર માટે સહમત થઇ ગયા છે.
ખટ્ટરે કહ્યું છે કે, ત્રણેય આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. કમનસીબ બાબત એ છે કે, આરોપી અને પીડિત એકબીજાને ઓળખતા હતા. આ વધુ દુર્ભાગ્યની બાબત છે કે, આરોપી સેનાનો જવાન છે. આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. એક લાખ રૂપિયાના ઇનામ પણ જાહેરાત કરી છે. તેમને ટૂંકમાં જ ઝડપી લેવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડાએ કહ્યું છે કે, સરકારની નિષ્ફળતા સ્પષ્ટપણે નજરે પડે છે. પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ભાંગી પડી છે. પુછપરછ માટે કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમના આધાર પર જ વધુ વિગતો મળી શકશે.