અમદાવાદ : ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ૧૦ વર્ષ બાદ ગઇકાલે ભારે હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે યોજાયેલી પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું આજે લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરાઇ હતી. જે દરમ્યાન આચાર્ય પક્ષ અને દેવપક્ષ એમ બંને પક્ષના હજારો હરિભકતો બહાર લાઇન લગાવીને પરિણામની રાહ જોઇને બેઠા હતા અને તે દરમ્યાન એક તબક્કે બંને પક્ષના હરિભકતો વચ્ચે બોલાચાલી અને સામાન્ય ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જા કે, પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ થાળે પાડી દીધી હતી. વહેલી સવારથી જ હરિભકતોની ભીડ મતગણતરી સ્થળની બહાર ઉમટી પડી હતી.
બંને પક્ષ દ્વારા પોતપોતાની જીતના દાવા થતા રહ્યા હતા પરંતુ મોડી સાંજે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીના પરિણામોની જાહેરાત કરાઇ હતી અને દેવપક્ષને વિજયી ઘોષિત જાહેર કરાયા હતા. દેવપક્ષ દ્વારા પરિણામો જાહેર થયા બાદ ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેવપક્ષના હરિજીવન સ્વામીના હાથમાં હવે ગઢડા મંદિરના સત્તાના સુકાન આવે તેવી પૂરી શકયતા છે. ગઢડા ગોપીનાથજી મંદિર કમીટીની ચૂંટણીમાં એક બેઠક બિનહરિફ થતા ગઇકાલે છ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર હતા. ગઇકાલે કુલ ૨૭ બૂથ પર ૧૫ હજારથી વધુ મતદાર હરિભકતોએ મતદાન કર્યું હતું. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું,
જે સાંજના છ વાગ્યે પૂર્ણ થયું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં ૭૦ ટકા મતદાન નોંધાયું હતું. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે યોજાયેલા પ્રતિષ્ઠાભર્યા જંગમાં છેલ્લા એક કલાકમાં ભારે રસાકસી જાવા મળી હતી અને ભારે ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે ચૂંટણી સંપન્ન થઇ હતી. ત્યારબાદ આજે ખૂજ પ્રતિષ્ઠાભરી એવી આ ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેની પર સમગ્ર રાજયના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની નજર હતી. સમગ્ર દિવસ દરમ્યાન ભારે ઉત્તેજનાભર્યા અને હૃદયના ધબકારા વધારી દેતાં માહોલ વચ્ચે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં દેવપક્ષ સતત તેમના પ્રતિસ્પર્ધી આચાર્ય પક્ષથી આગળ રહ્યું હતું અને આખરે મોડી સાંજે ચૂંટણી અધિકારીએ પરિણામો જાહેર કરી દેવપક્ષને વિજયી જાહેર કરતાં ગઢડાનો ગઢ આખરે દેવપક્ષના હાથમાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા ૧૦ વર્ષથી ચૂંટણી યોજાઈ નથી અને ચૂંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બે મહિના પહેલા હુકમ કરવામાં આવ્યો હતો કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મંદિરની ચૂંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમે હાઈકોર્ટના નિવુત જજ એસ.એમ.સોનીની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરી હતી. આ પૂર્વે નવા મતદારોના નામ દાખલ કરવાને લઈને પણ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પહોંચ્યો હતો. જા કે, આજે ભારે ઉત્તેજનાભર્યા માહોલ અને હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગઇકાલે ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી સંપન્ન થતાં તંત્રએ આજે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિધિવત્ પરિણામો જાહેર કર્યા હતા અને દેવપક્ષને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.