નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરાયા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સતત ઉશ્કેરણીજનક નિવેદનો અંગે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પડોશી દેશને ઇશારામાં કઠોર ચેતવણી આપી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે, નો ફર્સ્ટ યૂઝ ભારતની પરમાણુ નીતિ છે પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શુક્રવારે પોખરણ પહોંચ્યા હતા. આ અવસર પર રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જા ધરાવે છે અને તમામ નાગરિકો માટે આ રાષ્ટ્રીય ગૌરવની વાત છે. આ ગૌરવ અમને વાજપેયી દ્વારા મળ્યું છે અને દેશવાસી હંમેશા આ માટે તેમના ઋણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મે ૧૯૯૮માં પોખરણમાં દુનિયાના અનેક દેશોના વિરોધ છતાં ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું હતું તે દરમિયાન અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન તરીકે હતા. રાજનાથસિંહે ઇન્ટરનેશનલ આર્મી સ્કાઉટ માસ્ટર્સ સ્પર્ધાની પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જેસલમેર પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ સંરક્ષણપ્રધાન પોખરણ પહોંચ્યા જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી અને પરમાણુ પરીક્ષણના તેમના સાહસી નિર્ણયને યાદ પણ કર્યો હતો. અત્રે જણાવવાનું કે આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ છે. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પોખરણ પહોંચ્યા હતાં. આ અવસરે રક્ષા મંત્રીએ કહ્યું કે ‘ભારત એક જવાબદાર પરમાણુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવે છે અને દરેક નાગરિક માટે તે રાષ્ટ્રીય ગૌરવ છે. આ ગૌરવ આપણને અટલજીના કારણે મળ્યું છે અને દેશવાસી હંમશા તે બદલ તેમના ઋણી છે.’ આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે ‘આ એક સંયોગની વાત છે કે આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ છે અને હું જેસલમેરમાં છું.
આવામાં મને લાગ્યું કે મારે તેમને પોખરણની ધરતીથી જ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.’ તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે ભારતની પરમાણુ નીતિને પણ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે ‘હાલ ‘નો ફર્સ્ટ યૂઝ’ અમારી ન્યૂક્લિયર પોલીસી છે પરંતુ તે પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે કે આગળ નીતિમાં ફેરફાર આવશે કે નહીં.’ ન્યૂક્લિયર હથિયારને લઈને ભારતની નીતિ ‘નો ફર્સ્ટ યૂઝ’ની છે. આ નીતિ મુજબ ભારત કોઈ પણ દેશ પર પરમાણુ હુમલો ત્યાં સુધી નહી કરે જ્યાં સુધી તે દેશ ભારત ઉપર હુમલો ન કરે. ભારતે ૧૯૯૮માં બીજા પરમાણુ પરિક્ષણ બાદ આ સિદ્ધાંત અપનાવ્યો હતો. ઓગસ્ટ ૧૯૯૯માં ભારત સરકારે સિદ્ધાંતનો એક ડ્રાફ્ટ બહાર પાડ્યો જેમાં કહેવાયું કે પરમાણુ હથિયારો માટે ભારત ફક્ત પ્રતિશોધની નીતિ અપનાવશે.
દસ્તાવેજોમાં એમ પણ કહેવાયું છે કે ભારત ક્યારેય પોતે પહેલ કરશે નહીં પરંતુ જો કોઈ કરશે તો પછી પ્રતિશોધ સાથે પ્રતિક્રિયા આપશે. રાજનાથે શુક્રવારે સવારે ટ્વિટ કરીને પણ દિવંગત ભાજપ નેતા અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કરતા કહ્યું હતું કે, વાજપેયી ભારતીય રાજનીતિના એવા યુગપુરુષ હતા, તેમણે મૂલ્યો અને આદર્શો સાથે સુચિતા અને સુશાસનની રાજનીતિને પ્રોત્સાહન આપ્યું હતું.તેમનો સબકા સાથ-સબકા વિશ્વાસની લાગણી આજે પણ આપણા સૌ માટે પ્રેરણા સમાન છે.