અધ્યક્ષપદેથી રાજીનામાના મુદ્દે રાહુલને મનાવવા પ્રયાસો જારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજુ પણ પોતાના હોદ્દાને છોડવાને લઇને મક્કમ બનેલા છે. આજે દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ પોતાનું રાજીનામુ પરત લેનાર નથી. લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી રાજીનામુ પરત ખેંચવા રાહુલ ગાંધીને સમજાવવા માટેના પ્રયાસ ટોપ સ્તર પર કરવામાં આવી રહ્યા હોવા છતાં રાહુલ ગાંધી મક્કમ દેખાઈ રહ્યા છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાહુલને કોંગ્રેસી નેતાઓએ રાજીનામુ પરત ખેંચી લેવા માટે અપીલ કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ રાજીનામુ પરત ખેંચવાનો ઇન્કાર કર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાજીનામુ આપવાની ઓફર કરીને કોંગ્રેસી નેતાઓને હચમચાવી મુક્યા હતા. કોંગ્રેસી નેતા શશી થરુર અને મનિષ તિવારીએ વાયનાડમાંથી સાંસદ રાહુલ ગાંધીને મળીને કહ્યું છેકે, હારની જવાબદારી સમગ્ર પાર્ટીની છે. કોઇ એક વ્યક્તિને પરાજય માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. ૨૦૧૯માં એટલે કે હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર બાવન સીટો મળી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને ૩૦૩ સીટો જીતી લીધી હતી.

મોદીની લહેર વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને મોટાભાગના રાજ્યોમાં તમામ બેઠકો જીતી લીધી હતી. કોંગ્રેસ પાર્ટીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ સફળતા મળી ન હતી જ્યાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ હતી. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં કાયમી હાર બાદથી ખુબ જ નિરાશ દેખાઈ રહ્યા છે.

Share This Article