વર્લ્ડકપ બાદ તરત ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોનીની ધીમી ઇનિંગ્સની ચારેબાજુ થઇ રહેલી ટિકા વચ્ચે એવા અહેવાલ આવી રહ્યા છે કે, વર્લ્ડકપ બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને સુત્રોએ કહ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપમાં જ પોતાની છેલ્લી મેચ રમશે અને ત્યારબાદ નિવૃત્તિ લેશે. છેલ્લા કેટલાક સમયથી ધોની ટિકાકારોના કેન્દ્રમાં આવી ગયો છે. ખાસ કરીને વર્લ્ડકપમાં ધોનીની ધીમી બેટિંગને લઇને ટિકા થઇ રહી છે. ધીમી બેટિંગના કારણે ટીમ ઇન્ડિયાને મુશ્કેલી પણ નડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની ધીમી બેટિંગના લીધે તેની શાનદાર મેચ ફિનિશર તરીકેની છાપને પણ અસર થઇ છે.

વર્લ્ડકપમાં પસંદગી થતાં પહેલા જ એમ માનવામાં આવી રહ્યું હતું કે, ધોની વર્લ્ડકપ બાદ નિવૃત્તિ લઇ લેશે. અફઘાનિસ્તાનની સામે ધોનીએ બાવન બોલમાં ૨૮ રન બનાવ્યા હતા તેની આ ઇનિંગ્સના કારણે સચિન તેંડુલકરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ઇંગ્લેન્ડ સામેની મેચમાં અંતિમ ઓવરોમાં મોટા શોટ્‌સ નહીં લગાવવા બદલ પણ તેની ટિકા થઇ રહી હતી. વર્લ્ડકપમાં સ્પીનરોની સામે પણ ધોનીને સંઘર્ષ કરવાની ફરજ પડી હતી. બાંગ્લાદેશની સામેની મેચમાં પણ ધોની પોતાના અસલ અંદાજમાં નજરે પડ્યો ન હતો. તેના આ પ્રકારના દેખાવના કારણે હાલમાં ટિકા થઇ રહી હતી.

જો કે, ધોનીની નિવૃત્તિને લઇને હજુ સુધી કોઇપણ નક્કર વાત કરવામાં આવી નથી. ધોનીની બેટિંગ અને ફિલ્ડિંગની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે જેમાં કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ છે . જો કે, તેની બેટિંગ મુજબ હોવાની  વાત તમામ જાણકાર લોકો કરી રહ્યા છે. ધોનીએ વર્તમાન વર્લ્ડકપમાં તેનો જાદુ બતાવ્યો નથી. બેટિંગમાં તે અપેક્ષા કરતા નબળો રહ્યો છે. આફ્રિકા સામે ૩૪, ઓસ્ટ્રેલિયા સામે ૨૭, પાકિસ્તાન સામે ૦૧, અફઘાનિસ્તાન સામે ૨૮, વેસ્ટઇન્ડિઝ સામે ૫૬ અને ઇંગ્લેન્ડ સામે ૪૬ રન અણનમ બનાવ્યા હતા. જો કે, ક્રિકેટ ચાહકો હજુ પણ માની રહ્યા છે કે, ધોની વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે આજે પણ અકબંધ છે અને તેની ટક્કરમાં કોઇપણ વિકેટકીપર હોઈ શકે નહીં. હજુ કેટલાક વર્ષ સુધી ધોની સર્વોચ્ચ સ્તર પર શાનદાર ક્રિકેટ રમી શકે છે.

Share This Article