મુંબઈ : ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌત્તમ ગંભીરે આજે મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી પેનલની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ પાંચ પસંદગીકારોના પરિણામ સ્વરુપે રાયડુની કેરિયરને નુકસાન પહોંચાડ્યું છે. રાયડુની નિવૃત્તિને લઇને ગૌત્તમ ગંભીરે દુખ વ્યક્ત કર્યું હતું. ગૌત્તમ ગંભીરે કહ્યું હતું કે, રાયડુનો નિર્ણય ભારતીય ક્રિકેટ માટે ખુબ જ દુખદ ક્ષણ તરીકે છે. તેના જેવા ક્રિકેટરો જે આઈપીએલમાં ખુબ શાનદાર બેટિંગ કરી ચુક્યા છે. દેશ માટે પણ ત્રણ સદી અને ૧૦ અડધી સદી બનાવી ચુક્યા છે. જા આ પ્રકારના ખેલાડી વહેલીતકે નિવૃત્તિ સ્વીકારે છે તો દેશ માટે દુખદ બાબત હોઈ શકે છે.
ગૌત્તમ ગંભીરે કહ્યું છે કે, પાંચ પસંદગીકારોની ટીમે અન્યાય કર્યો હોવાનું દેખાઈ આવે છે. ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે એમ પણ કહ્યું હતું કે, વર્લ્ડકપમાં જ્યારે ખેલાડીઓને ઇજા થઇ ત્યારે રિષભ પંત અને મયંક અગ્રવાલને તક આપવામાં આવી હતી. દરેક વ્યક્તિ માની રહી હતી કે, રાયડુને જગ્યા મળશે. ગૌત્તમ ગંભીરની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે પસંદગીકારોને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચાર નંબર બેટિંગ કરવા માટે રાયડુ આદર્શ ખેલાડી હોવાની વાત પણ ઉઠી રહી હતી.
રાયડુની અવગણના કરીને વિજય શંકરને તક મળી હતી. રાયડુએ આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. ખાસ કરીને મુખ્ય પસંદગીકાર પ્રસાદના શંકરને લઇને બચાવ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગૌત્તમ ગંભીરની આ પ્રતિક્રિયા બાદ પસંદગીકારોને લઇને જોરદાર ચર્ચા છેડાઈ જાય તેમ માનવામાં આવે છે. પ્રસાદે એ વખતે કહ્યું હતું કે, શંકર તેના કરતા વધારે સારી રમત ફિલ્ડિંગ અને બેટિંગમાં કરી શકે છે. આજ કારણસર રાયડુની પસંદગી નહીં કરી હોવાની વાત કરી હતી.